• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

કચ્છની ખરકી કલા પર આધારિત શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

ભુજ, તા. 29 : વર્ષોથી કચ્છની સમૃદ્ધ હસ્તકળા અને કારીગરોના ઉત્થાન તથા સંવર્ધન માટે કાર્યરત સૃજન ટ્રસ્ટ સંચાલિત લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ક્રાફ્ટ મ્યુઝિયમે આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ ઊભી કરી છે. એલ.એલ.ડી.સી. દ્વારા નિર્મિત ખરકીની પરંપરાગત હસ્તકલા પર આધારિત ટૂંકી ફિલ્મ `લોસ્ટ હાર્મનીઝ'એ વૈશ્વિક સ્તરે ડંકો વગાડતાં `ટંગ્સ ઓન ફાયર એવોર્ડ' 2026માં `બેસ્ટ શોર્ટ ફિલ્મ એવોર્ડ' પોતાનાં નામે કર્યો છે. ઉપરાંત, આ ફિલ્મે ધ મેકર્સ ફિલ્મ ફેસ્ટિવલ, બ્રિસ્ટલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ, ધ નેશનલ ફેસ્ટિવલ ઓફ માકિંગ અને ફ્લેટપેક ફેસ્ટિવલ 2026 જેવા વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ઓફિશિયલ નામાંકન પ્રાપ્ત કરી  કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ફિલ્મ કચ્છની પરંપરાગત ખરકી બનાવવાની પરંપરાગત કળા અને માલધારી સંસ્કૃતિ વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડે છે. ખરકી એ માત્ર એક હસ્તકલા કે સાધન નથી, પરંતુ તે કારીગર, માલધારી સમુદાય અને પશુપાલન જીવનને જોડતી એક કળી છે. બદલાતા સમય અને બજારની માંગને કારણે કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે, જેના પરિણામે આ પ્રાચીન અવાજનું જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. `લોસ્ટ હાર્મનીઝ' ફિલ્મ માત્ર કલાના જતન પૂરતી મર્યાદિત ન રહેતા, તેના અવાજ, ઓળખ અને તેની સાથે જોડાયેલી જીવનશૈલીને આવનારી પેઢી માટે જીવંત રાખવાનો એક સાર્થક પ્રયાસ કરે છે. આ સફળતા પાછળ એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમના નેજા હેઠળ કામ કરતી રિસર્ચ ટીમનો સિંહફાળો રહ્યો છે, ફિલ્મનું દિગ્દર્શન જાણીતા આંતરરાષ્ટ્રીય દિગદર્શક સીમા ગોંસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય સંશોધન અને સંકલ્પનાની જવાબદારી વિમલ ત્રિવેદી અને શ્રદ્ધા ઠક્કરએ સંભાળી હતી. લોકેશન મેનેજર તરીકે નેહાલ રાઠોડએ ભૂમિકા ભજવી છે, એલ.એલ.ડી.સી.ના મેનાજિંગ ડિરેક્ટર અમી શ્રોફ, સી.ઈ.ઓ. રાજીવ ભટ્ટ અને રિસર્ચ હેડ વિશાલ મકવાણા દ્વારા વિશેષ સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. એલ.એલ.ડી.સી. પરિવાર દ્વારા કચ્છના સ્થાનિક કારીગરો અને માલધારી સમુદાયનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.

Panchang

dd