માંડવી, તા. 29 : સ્વ. પ્રભુદાસ (કાકા) તોલાણીના
જન્મદિને આદિપુરમાં ગોપાલ તોલાણી સ્ટેડિયમ ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના સહયોગથી `સસ્ટેનેબલ એન્વાયર્નમેન્ટ એન્ડ ઈકોલોજી
ડેવલપમેન્ટ' (સીડ) ફાઉન્ડેશન દ્વારા
યોજાયેલા કાર્યક્રમમાં ફળાઉ વૃક્ષોના અંદાજે 6થી 8 ફૂટ ઊંચાઈના રોપાઓનું વાવેતર કરવા સાથે તેના ઉછેરની પ્રતિબદ્ધતા
વ્યક્ત કરાઈ હતી. સીડ ફાઉન્ડેશનના ચેરમેન અને નિવૃત્ત સિનિયર વન અધિકારી સતીષચંદ્ર
શ્રીવાસ્તવના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં સંસ્થાની વનીકરણ કામગીરીથી પ્રભાવિત થઈને
પૂર્વ સરપંચ મુકેશભાઈ આહીરે સંસ્થાની પર્યાવરણલક્ષી
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા રૂા. એક લાખ 11 હજારનું દાન આપ્યું હતું. વિશ્વભરમાં પર્યાવરણની સમતુલા જોખમાતાં
અકથ્ય પ્રાકૃતિક આપદાઓએ સૃષ્ટિ માટે પડકાર ખડો કર્યો છે, ત્યારે ટકાઉ પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશને મહાઅભિયાન
હાથ ધર્યું છે. ગાંધીધામ ઈકોલોજી બોર્ડ આદિપુરના સહયોગ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગાંધીધામ
દ્વારા કોર્પોરેટ સોશિયલ સિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આદિપુરના ગોપાલ તોલાણી સ્ટેડિયમ
કેમ્પસમાં લાંબી આવરદા ધરાવતાં વડ, પીપળો, બ્રહ્મપીપળો, કૃષ્ણવડ, ઉમરો,
લીમડા, ખાટી આંબલી વગેરે ઉપરાંત ગુલમહોર,
પેલ્ટોફોર્મ, કાસીદ, બોરસલી,
સીરસ, રેઈન
ટ્રી, અમલતાસ, કણંજ, કણજી જેવા સુશોભિત વૃક્ષો અને રાયણ, બીલી, કોઠી, બદામ, જામફળ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષોના અંદાજે 6થી 8 ફૂટ ઊંચાઈના
રોપાઓનું વાવેતર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ રૂપે કરાયું હતું. સીડ ફાઉન્ડેશનના
ચેરમેને આ અવસરે અધ્યક્ષપદેથી છાત્રને એક એક વૃક્ષ દત્તક લઈ વૃક્ષ સાથે આત્મીયતા કેળવવા
હાકલ કરી હતી. અતિથિ વિશેષ પદેથી ગાંધીધામ ઈકોલોજી બોર્ડના વહીવટી વડા રાજેન્દ્ર આસરાની
તથા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક
જયનકુમાર પટેલે આ અવસરે કોલેજના યુવા છાત્રો-છાત્રાઓનો કોરોનાકાળને યાદ કરી સમગ્ર જીવસૃષ્ટિ
માટે ઓક્સિજન અને વૃક્ષારોપણનું મૂલ્ય સમજવા અનુરોધ કર્યો હતો. ગાંધીધામ કોલેજીએટ બોર્ડની
તમામ કોલેજ, પોલીટેકનિક, ફાર્મસી, મેનેજમેન્ટ બન્ને કોમર્સ કોલેજ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકોએ
ભાગ લઈ છાત્રોને પ્રેરણા આપી હતી. આયોજન સીડ ફાઉન્ડેશનના મહામંત્રી ઈન્દ્રજિતસિંહ બારડ,
જી.એસ.એસ.ના ડાયરેક્ટર વેંકટેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. દીનદયાળ
પોર્ટ ઓથોરિટી તરફથી જયશ્રીબેન મહેશ્વરી, સીડ ફાઉન્ડેશનના દિવ્યરાજસિંહ
બારડ, ગિરીશભાઈ ઝાલા, પ્રિયાંશુ દેસાઈ તથા
પ્રોફેસર નિમેશભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ, નવનીતભાઈ, ઉત્પલભાઈ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. આરએફઓ
મનિષાબેન આલ, કાનજીભાઈએ સહયોગ આપ્યો હતો. તોલાણી પોલીટેકનિકના
ભૂતપૂર્વ છાત્ર અને ડીપીએના નિવૃત્ત અધિકારી મહેન્દ્ર ખુસલાણીએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ
કરતાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પૂર્વ સરપંચ મુકેશભાઈ આહીરે સીડ ફાઉન્ડેશનને પર્યાવરણ
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા રૂા. 1 લાખ 11 હજારનું દાન
આપ્યું હતું.