ભુજ, તા. 29 : મુંદરા પોર્ટ દ્વારા ગત તા.
21/8ના ટ્રેડ એડવાઇઝર જારી કરીને
તા. 31/8થી પોર્ટ બહાર એમ્પ્ટી કન્ટેનર
યાર્ડના કોડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે વ્યવસાય સાથે સંકળાયેલા હજારો
લોકોની રોજગારી અને એક્ઝિમ વ્યાપારને અસર પડશે એવી ભીતિ વ્યક્ત કરીને આ નિર્ણયના વિરોધમાં
આજે મુંદરા એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એન્ડ એલાઇડ સર્વિસ પ્રોવાઇડર એસોસીએશન અને અન્ય સહયોગ
આપનારા સંગઠનોના ઉપક્રમે મુંદરામાં વિરોધ રેલી યોજાઇ હતી, જેના અંતે રંગોલી ગેટ પાસે અદાણી પોર્ટ એન્ડ
સેઝના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને આ ટ્રેડ એડવાઈઝરી રદ કરવા અને કાયમ માટે કોડ પ્રથા
બંધ કરવા સહિતના માગણીઓ કરવામાં આવી હતી. આ સાથે યાર્ડ બંધ કરવાથી કેવા ગંભીર પ્રશ્નો
ઊભા થશે તેની પત્રમાં દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. અગાઉથી એલાન મુજબ, શનિવારે સવારે રાશાપીર સર્કલથી આ રેલીની શરૂઆત થઈ અને રંગોલી ગેટ પહોંચી હતી.
આ શાંતિપૂર્વક અને મૌન રેલીમાં માત્ર એમ્પ્ટી એસો.ના સભ્યો અને કર્મચારીઓ જ નહીં,
મુંદરા-ગાંધીધામનાં ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ, ભાજપ
અને કોંગ્રેસ બંને પક્ષના કેટલાક જાણીતા નેતાઓ, ટ્રાન્સપોર્ટ
એસો., વિવિધ ગામના સરપંચો- આગેવાનો વિગેરે ઊમટયા હતા. પીઆઈ સહિત
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે સજ્જડ-વિશાળ પોલીસ બંદોબસ્ત દેખાયો હતો. રેલીના અંતે
એમ્પ્ટી એસો.ના પ્રમુખ હરશ્યામસિંહ પરમારના હસ્તાક્ષર સાથે પાઠવાયેલા આવેદનપત્રમાં
જણાવાયું હતું કે, અંદાજે 40 એમ્પ્ટી યાર્ડમાં આશરે 5000 જેટલા લોકો સીધી તથા આડકતરી
રીતે રોજગારી મેળવી રહ્યા છે. કોડ બંધ કરવાના નિર્ણયને કારણે યાર્ડ વ્યવસાય સાથે સંકળાયેલા
હજારો લોકોની રોજગારી તથા એક્ઝિમ ટ્રેડને ગંભીર અસર થઈ શકે છે. આ સાથે પત્રમાં માંગ
કરાઈ કે સંબંધિત કોડ પ્રથા કાયમ માટે બંધ કરવામાં આવે, પોર્ટ એન્ટ્રી ચાર્જિસને ગુજરાત મેરીટાઈમ બોર્ડના
ચાર્જિસ મુજબ લાગુ કરવામાં આવે, ટ્રાન્સપોર્ટ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડના નિયમો મુજબ યોગ્ય ચાર્જિસ લેવામાં
આવે. પત્રમાં યાર્ડ બંધ થવાથી એવા ગંભીર પ્રશ્નો ઊભા થવાની દહેશત વ્યક્ત કરાઈ કે,
કોડ ન મળે તો, શાપિંગ લાઈનના જહાજોને જરૂરી ખાલી કન્ટેનર ઉપલબ્ધ કરવામાં મુશ્કેલી ઊભી થશે,
એક્સપોર્ટ માટે ખાલી કન્ટેનર સમયસર મળવાના મુશ્કેલી થશે, આયાત-નિકાસના વ્યવસાય પર પ્રતિકૂળ અસર થશે, કાર્ગો તથા
સંબંધિત સેવાઓ અન્ય પોર્ટ તરફથી પરિવર્તિત થશે.