• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

કાલથી ભુજમાં ફરી દબાણ હટાવ ઝુંબેશ

ભુજ, તા. 29 : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જિલ્લા મથક ભુજમાં ફૂટપાથને દબાણમુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ કારણથી અટકેલી દબાણ હટાવ ઝુંબેશ હવે સોમવારથી વેગ પકડશે. દરમિયાન નગરપાલિકા પ્રશાસન દ્વારા ભીડબજાર વિસ્તાર અને રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં 145થી વધુ દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે. ભુજમાં અમુક સ્થળે દબાણોની નાનાપાયે ફરી થયેલી પેશકદમી વચ્ચે શનિવારે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાવાની હતી, પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળવા સહિતના કારણે દબાણ હટાવ ઝુંબેશનું કાર્ય હાથ ધરી શકાયું નથી. હવે રવિવારની રજા બાદ સોમવારના ઉઘડતા દિવસથી દબાણ હટાવ ઝુંબેશ આગળ ધપાવાશે તેવું નગરપાલિકા તંત્ર દ્વારા સત્તાવાર રીતે જણાવાયું હતું. દરમિયાન નગરપાલિકા તંત્રની ટીમ દ્વારા સમગ્ર ભીડબજાર વિસ્તાર અને રેલવે સ્ટેશન રોડ પાસે 145 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે. સોમવારે ક્યા વિસ્તારથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે તે મુખ્ય અધિકારીના આદેશ બાદ નક્કી કરવામાં આવશે. શહેરમાં હટી ગયેલાં દબાણો ફરી ગોઠવાઇ રહ્યાંની ચર્ચા વચ્ચે ભુજના દરેક ખૂણાને દબાણમુકત કરવા માટે મહાદબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી મહત્ત્વના તમામ વિસ્તારને આવરી લેવાય તેવી લાગણી જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તરફ ભુજમાં પોસ્ટની શોર્ટિંગ ઓફિસ પાછળના ભાગે લાગેલાં હોર્ડિંગ્સ તેમજ દીવાલને અડીને ઊભેલા ધંધાર્થીઓને હટાવાતાં પોસ્ટ વિભાગે સંબંધિત તંત્રવાહકોનો આભાર માની હવે જો નિયમ ભંગ થશે તો કાયદેસર કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ છે.

Panchang

dd