• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

દેશલપર (ગું.) હાજીપીર માર્ગનું કામ પૂર્ણતાના આરે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 20: કચ્છમાં પ્ર્રથમ અને ગુજરાતમાં બીજો ગણાતો દેશલપર-ગુંતલી-હાજીપીર સિમેન્ટ કોક્રિટ માર્ગનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચી રહ્યું છે. રૂા. 100 કરોડના ખર્ચે 32 કિલોમીટર લાંબો અને સાત મીટર પહોળો બનાવવામાં આવી રહેલો આ માર્ગનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. રસ્તાના એક ભાગનું કામ સત્યમ્ બ્રાઈન કેમિકલ ઈન્ડસ્ટ્રીના ફાટક સુધી પહોંચી ગયું છે, જ્યારે બીજા ભાગનું કામ 20 કિલોમીટર સુધી પૂર્ણ થઈ ચૂક્યું છે. આ માર્ગનું કામ સરસ્વતી કન્સ્ટ્રક્શન કંપની વડોદરાને સોંપવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ, કોર કમિટીના સભ્યો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સરકાર સમક્ષ આ માર્ગના કામ માટે સતત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોના પરિણામે ગુજરાત સરકારે આ મહત્ત્વપૂર્ણ  માર્ગને કાયમી અને ભારે વાહનવ્યવહારને અનુરૂપ બનાવવાનો નિર્ણય લીધો હતો. ઢોરોના અગ્રણી જી. કે. મુતવાએ જણાવ્યું કે, આ માર્ગ બનતા આસપાસના 19 ગામો, પાંચ ગ્રામ પંચાયતો અને અંદાજે સાડા પાંચ હજાર લોકોને તેનો લાભ મળશે. દેશલપર-ગુંતલી અને નખત્રાણા વચ્ચેનો આ માર્ગ સ્થાનિક લોકો માટે રોજગારી, શિક્ષણ, આરોગ્યસેવા તેમજ દૈનિક જીવનની ચીજવસ્તુઓની ખરીદી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સ્થાનિક માહિતી મુજબ, વર્ષ 1990માં પ્રથમ વખત આ માર્ગને ડામરથી સજ્જ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમયાંતરે તેની મરામત થતી રહી પરંતુ છેલ્લા 15 વર્ષમાં હાજીપીર અને મોટા રણની આસપાસ નમક તથા બ્રોમિન ઉદ્યોગની કંપનીઓનો વિકાસ થતાં ભારે વાહનવ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો હતો. વધતા ટ્રાફિક અને ભારે વાહનોના કારણે જૂનો રસ્તો ઝડપથી બિસ્માર થવા લાગ્યો હતો. એક સમયે આ વિસ્તારમાં ચારથી પાંચ એસ.ટી. બસો ચાલતી હતી પંરતુ રસ્તાની સ્થિતિને કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તાર જાણે એક પ્રકારના શૂનકારમાં ધકેલાઈ ગયો હતો. હાજીપીર બાવાની દરગાહે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. નખત્રાણા અને દેશલપર-ગુંતલી તરફથી હાજીપીર જતા યાત્રાળુઓ માટે આ માર્ગ મુખ્ય જોડાણ છે. નવા માર્ગની વિશેષતા એ છે કે, તેને સિમેન્ટ કોક્રિટથી બનાવવામાં આવી રહ્યો છે. સાત મીટર પહોળા માર્ગની બંને બાજુ જરૂરી સ્થળોએ પથ્થરની સુરક્ષા દીવાલો બનાવવામાં આવી છે. રોડની સાઈડમાં મેટલ નાખવામાં આવ્યું છે અને વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી જગ્યાએ ખાઈ તથા ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે માર્ગની ગુણવત્તા અને ટકાઉપણું જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માર્ગ માત્ર સિમેન્ટ અને પથ્થરથી બનેલો રસ્તો નથી, પરંતુ કચ્છના સરહદી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રોજગાર, પરિવહન, વેપાર, યાત્રા અને વિકાસ સાથે જોડતી જીવનરેખા બનવાનો છે.

Panchang

dd