અંજાર,તા.5: શહેરમાં થોડોક વરસાદ પડતાં
જ વોર્ડ નં. 9માં રઘુવીર નગર થી જુના વીડી રોડ તરફ જતા
માર્ગ પર ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી વેઠવાનો
વારો આવ્યો છે. સ્થાનિકોએ ફરીયાદ કરતા જણાવ્યા હતું આ સમસ્યા ઘણા વર્ષોથી યથાવત છે.
અનેક વખત સંબંધિત તંત્ર અને નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ
આવ્યો નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ માર્ગ ગંદા પાણીથી છલકાઈ જાય છે. જેના કારણે
રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. વર્ષો જૂના કુદરતી પાણીના વહેણને અટકાવી દેવામાં આવ્યો છે અને વરસાદી
પાણીના યોગ્ય નિકાલ માટે અયોગ્ય કદની પાઇપલાઇન નાખવામાં આવતા સ્થિતિ વધુ ગંભીર બની
હોવાના ફરીયાદ લોકોએ કરી હતી. આ વિસ્તાર પૂર્વ કારોબારી ચેરમેન તેમજ હાલના ઉપપ્રમુખનો
મતવિસ્તાર હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી પગલા ભરાતા ન હોવાની નારાજગી સ્થાનિકોએ
વ્યકત કરી હતી. રઘુવીર નગર, જખ દાદા નગર, ચોટારા પા, કાપડી વાડી વિસ્તાર, સતીમાં પિંજોરા તેમજ વીડી રોડ તરફ અવરજવર કરતા અનેક લોકોને ગંદા પાણીમાં પસાર
થવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ ચૂંટાયેલા નગરસેવકો અને સંબંધિત અધિકારીઓને
સ્થળ પર જાત નિરીક્ષણ કરી ગટર તથા વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા
માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં તેવી માંગ ઉઠી છે.