મુંદરા, તા. 5 : યોગ્ય માર્ગદર્શન અને
એક સારો મંચ આપવામાં આવે, તો કોઈ પણ
પ્રતિભા વિશ્વ સમક્ષ આગવી ઓળખ બનાવી શકે. બસ,
આવો એક દાખલો મુંદરા તા. પ્રાગપર સ્થિત આહિંસાધામે પુરો પાડયો છે. છેલ્લાં
35 વર્ષથી જીવદયા સહિત વિવિધ સેવાકાર્યોમાં
કાર્યરત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર આહિંસાધામ આ સાથે સમાજમાં સેવાભાવથી કાર્ય
કરતી સંસ્થાઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓને સહયોગ આપે છે. તાજેતરમાં મૂળ ગુંદાલાનાં એક કલાકાર બલદેવજીની અનોખી કળાને આહિંસાધામના મેનાજિંગ
ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઇ તથા પ્રમુખ હરેશ વોરાએ નિહાળીને તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ
આ કલાકારને યોગ્ય મંચ આપવા ટીમને સૂચન કર્યું. આ પછી રાહુલ સાવલાના માર્ગદર્શનમાં હાર્દિક
ગઢવીએ બલદેવજીનો વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર રજૂ કર્યો. આ સંયુક્ત પ્રયાસનું
પરિણામ એ આવ્યું કે, આજે આ વીડિયોએ
17 લાખ (1.7 મિલિયન)થી વધુ વ્યૂઝ પ્રાપ્ત
કર્યા છે અને હજારો લોકો સુધી તેમની અદ્ભુત પ્રતિભા પહોંચી છે. આમ, આહિંસાધામે જીવદયા સાથે સમાજમાં રહેલી પ્રતિભા
અને સેવાભાવને આગળ લાવી હતી.