ભુજ, તા. 10 : શહેરમાં પાર્કિંગપ્લોટોનો અભાવ
અને માર્ગો તેમજ ફૂટપાથો પર લારી-ગલ્લા રૂપી દબાણો અને તેમની પાસે આવતા ગ્રાહકો દ્વારા
માર્ગો અવરોધી ઊભા રખાતાં વાહનોને પગલે ભુજના નાગરિકો ટ્રાફિક સમસ્યાના અજગર ભરડામાં
જકડાઈ ગયા છે અને આ વધતી જતી ભીંસમાંથી છુટકારો અપાવવા પોલીસ તંત્ર સમક્ષ આજીજી કરી
રહ્યા છે અને કચ્છમાં અન્ય શહેરોમાં વધતી દબાણ હટાવ કામગીરી ભુજમાં શા માટે ન થઈ શકે
તેવો સવાલ ઊઠાવી રહ્યા છે. ભૂકંપ બાદ ભુજ શહેરનો કાયાકલ્પ થઈ ગીચતાવાળા વિસ્તારોમાંથી
લોકોને છૂટકારો મળ્યો અને વિશાળ માર્ગો બન્યા, પણ આ વિકાસમાં તંત્રની મોટામાં મોટી ચૂક થઈ અને ભવિષ્યને ધ્યાનમાં ન લઈ પાર્કિંગપ્લોટોનું
આયોજન જ ભુલાઈ ગયું, જેનો ભોગ આજે ભુજવાસીઓ બની રહ્યા છે. દિવસોદિવસ
વાહનોની સંખ્યામાં વધારો થતો રહે છે. અધૂરામાં પૂરું તંત્રના આંખ આડા કાન અને ચોક્કસ
કારણોસર શહેરમાં ફૂટપાથો પર લારી -ગલ્લા રૂપી દબાણોનો રાફડો ફાટયો. હવે ભુજ શહેરની એકેય ફૂટપાથ લોકોના ચાલવા માટે બચી નથી.
ફૂટપાથો પર કબજો કરી લીધો છે, હવે નાસ્તા, અન્ય લારી-ગલ્લાધારકોએ મુખ્ય માર્ગો દબાવવાનું ચાલુ કર્યું છે. કેબિનો-લારીઓ
તો ઠીક, પણ હવે તો પાકાં દબાણો કરતાં પણ ધંધાર્થીઓ અટકાતા નથી,
જેનું એકમાત્ર કારણ તંત્રની ધાક ઓસરી ગઈ છે. સામાન્ય રીતે નિયમ તોડે
તો વાહનચાલકોને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ઊભતા અને તેમની
પાસે આવતા ગ્રાહકો વાહનો બચેલા માર્ગ પર ઊભા રાખનારા સામે આંખ આડા કાન કરતા હોવાનું
જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે. રોજગારી રળવા માર્ગો પર કેબિનો-લારીઓ ગોઠવી હજારો લોકો
માટે ટ્રાફિક સમસ્યા સર્જવી એ કેટલે અંશે યોગ્ય કહેવાય તેવો સવાલ નાગરિકો પૂછી રહ્યા
છે.અનેક મુખ્ય માર્ગો પર સતત ટ્રાફિકજામ રહેતો હોય છે, જેમાં
ફસાઈ હજારો નાગરિકો દરરોજ યાતના વેઠી રહ્યા છે ત્યારે આ સમસ્યા હલ કરવા તંત્ર હવે જાગે
તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આજે મુંદરામાં તંત્ર જાગ્યું અને દબાણો પર સપાટો બોલાવી
દીધો. આ ઉપરાંત કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું
છે ત્યારે શહેરના 50 ટકા જેટલા
કાચાં-પાકાં દબાણગ્રસ્ત વિસ્તાર ધરાવતું ઐતિહાસિક ભુજ શહેર હવે બેફામ બનેલા દબાણકારોના
અજગર ભરડામાંથી છોડાવવા તંત્ર સમક્ષ માંગ કરી રહ્યું છે.