ભુજ, તા. 10 : કચ્છમાં સચરાચર મેઘસવારીની
જોવાતી વાટ વચ્ચે જિલ્લામાં સવારથી તેજ ગતિએ ફૂંકાયેલા વાયરાએ ધૂળનો વરસાદ વરસાવ્યો
હતો. સરેરાશ 20થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઊડતાં
વાતાવરણમાં ધૂંધળાશ જોવા મળી હતી. ભારે પવનનાં કારણે વિશેષ રીતે વાહનચાલકો અને રાહદારીઓને
હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિતના સ્થળે જેમ-જેમ દિવસ આગળ વધ્યો
તેમતેમ પવનની ઝડપમાં વધઘટ જોવા મળી હતી. બપોરના સમયે તો પવનની ઝડપ કેટલાક સ્થળે 30 કિ.મી. આસપાસ પહેંચી જતાં આકશમાંથી
ધૂળનો વરસાદ વરસતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.પવનનાં કારણે કેટલાક સ્થળે વીજ વિક્ષેપની
સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગે એકલ-દોકલ સ્થળે છાંટાછૂટીને બાદ કરતાં આગામી સપ્તાહ
દરમિયાન વધુ વરસાદ વરસવાની સંભાવનાને નકારી છે, તો હજુ બેથી ત્રણ દિવસ પવનનું જોર જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત
કરવામાં આવી છે. એક તરફ વરસાદ પૂરતાં પ્રમાણમાં ન પડતાં ખેડૂતો ચિંચિત છે ત્યારે ધૂળની
ડમરી ઉડાવતા પવનના કારણે ખેતી કરવામાં અવરોધ સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી
છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 35થી 36, તો લઘુતમ
પારો 28થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.