ભુજ, તા. 10 : કચ્છના ભૂગર્ભમાં ધરબાયેલાં
વૈવિધ્યપૂર્ણ ખનિજની માંગ દેશ-વિદેશમાં સતત વધતી જતાં ખાણ-ખનિજ વ્યવસાય ક્ષેત્રે લીઝધારકોની
આવકમાં મોટો ઉછાળો આવ્યો છે એ તો હકીકત છે, સામે રોયલ્ટી ક્ષેત્રે સરકારની આવકમાં પણ અધધધ કહી શકાય એવો વધારો થયો છે.
પૂર્વ અને પશ્ચિમ વિભાગની ખાણ-ખનિજ કચેરીઓમાંથી મળેલા આવકના આંકડા પ્રમાણે ગયા વરસની
તુલનાએ 45 ટકાનો વધારો થતાં આંકડો રૂા.
562 કરોડે પહોંચ્યો છે. - 20 પ્રકારનું ખનિજ : કચ્છના પેટાળમાં 20 પ્રકારનું અલગ-અલગ ખનિજ ધરબાયેલું
છે અને રાત-દિવસ ખનન કામ ચાલુ રહેતાં જમીનમાંથી બહાર આવેલી આ ખનિજ સંપત્તિને એક યા
બીજા સ્થળે પહોંચાડવા માટે સરકારને રોયલ્ટી ચૂકવવી પડે છે. બ્લેક ટ્રેપ, સેન્ડ સ્ટોન, લાઇમ સ્ટોન,
સામાન્ય રેતી, મોરમ, બોક્સાઇટ,
લિગ્નાઇટ, ચાઇનાકલે, બેન્ટોનાઇટ,
જીપ્સમ વગેરે પ્રકારનાં ખનિજનું ઉત્ખનન થતું હોવાથી ખાસ કરીને આમાંથી
બેન્ટોનાઇટ, બ્લેક ટ્રેપ, ચાઇનાકલેની માંગ
કચ્છ બહાર વધારે હોવાથી નિકાસનું પ્રમાણ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે. - લીઝમાં વધારો : કચ્છમાં ખનિજનો વિસ્તાર મોટો હોવાથી દર
વર્ષે લીઝની સંખ્યામાં વધારો થતો જાય છે. ખાણ-ખનિજ વિભાગના ભુજ કચેરીના ભૂસ્તરશાત્રી
દેવેન્દ્ર બારિયા અને અંજાર ઓફિસના શ્રી પંડયાના જણાવ્યા પ્રમાણે નવી લીઝ માટે અરજીઓની
સંખ્યામાં વધારો થતો જાય છે. ધરતીકંપ વખતે કચ્છમાં લીઝની સંખ્યા 390 હતી, પરંતુ ભૂકંપ બાદ માંગ વધતાં અત્યારે પશ્ચિમ
કચ્છમાં 868 લીઝ છે, જ્યારે પૂર્વ કચ્છમાં લીઝધારકોની સંખ્યા 334ની છે. - સૌથી વધુ બેન્ટોનાઇટ : કચ્છની જમીનમાં
માંડવી, અબડાસા, લખપત સહિતના વિસ્તારમાં
અત્યંત સારી ગુણવત્તાવાળું બેન્ટોનાઇટ હોવાથી ખાસ કરીને વિદેશોમાં બેન્ટોનાઇટની માંગ
વધતાં કચ્છમાંથી મોટાભાગે નિકાસ થાય છે તેવું શ્રી બારિયાનું કહેવું છે. એકમાત્ર આ
બેન્ટોનાઇટના ખનિજની કચ્છમાં 390 લીઝ આવેલી છે.- તોતિંગ આવક : રોયલ્ટી પેટે કેટલી આવક મળે છે આ સવાલ સામે બંને ભૂસ્તરશાત્રીઓએ
જણાવ્યું હતું કે, જૂની તમામ
લીઝની રોયલ્ટીમાં હવે પ્રીમિયમ વસૂલવાનો નિયમ સરકારે બનાવ્યો હોવાથી કચ્છમાં આવકમાં
ખૂબ વધારો થયો છે. પશ્ચિમ કચ્છની આવક 24-25માં 296 કરોડ હતી, જ્યારે પૂર્વ કચ્છની આવકનો આંકડો રૂા. 91.70 કરોડ હતો તેમાં વધીને 25-26માં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં
45 ટકાનો ઉછાળો આવ્યો હોવાથી કરોડો
રૂપિયા રોયલ્ટી પેટે મળે છે. આ વરસે રૂા. 105 કરોડનો વધારો થતાં આંકડો પશ્ચિમ કચ્છમાં રૂા. 402 કરોડનો થયો છે, જ્યારે પૂર્વ કચ્છમાં રૂા. 160 કરોડની આવક નોંધાઇ છે. - લીઝ માટે પડાપડી : કોઇ પણ ખનિજની નવી લીઝ માટે રાજ્ય સરકારના
ખાણ-ખનિજ વિભાગ દ્વારા લીલામી થતી હોવાથી તાજેતરમાં કચ્છમાં 102 નવી લીઝ મંજૂર કરવામાં આવી
છે, તો સામે 140 નવી અરજીઓ પણ આવી ચૂકી છે.
ખાનગી માલિકીવાળી જમીનમાં પણ લીલામી તો થાય છે, પણ અગ્રતા જમીનમાલિકને આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું હતું. - ચોરી પણ વધી ગઇ : કચ્છમાં કાયદેસરની લીઝમાંથી તો નિયમો પ્રમાણે
ખનિજનું ખાણકામ થાય છે, પરંતુ બેનામી
કારોબાર પણ ખૂબ જ ફુલ્યોફાલ્યો હોવાથી ખનિજચોરીને રોકવા તમામ પ્રયાસો કરવામાં આવતા
હોવાનું ભૂસ્તરશાત્રીએ જણાવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગની ટીમોને મળતી બાતમીના આધારે
તો ચોરી પકડવામાં આવે છે, પરંતુ સામે ફલાઇંગ સ્કવોડની ટીમો પણ
દરોડો કરે છે. ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર, પ્રાંત અધિકારી,
પોલીસ વગેરે દ્વારા ખનિજચોરી
પર લગામ મૂકવા કડક કાર્યવાહી થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.