ગાંધીધામ, તા. 30 : ડોક્ટર્સ-ડેના ઉપલક્ષમાં ઈન્ડિયન
મેડિકલ એસોસીએશન-ગાંધીધામ દ્વારા મૂળ કચ્છના અને મુંબઈના જાણીતા હૃદયરોગ નિષ્ણાત તબીબના
વક્તવ્યનું આયોજન કરાયું હતું. કાર્ડિયાક ફેલ્યોરની સ્થિતિમાં દર્દીને ઉગારવા માટેની
સારવાર સહિતની સમજ આપી હતી. તેમણે દર્દીઓને
આધુનિક સારવાર ઉપલબ્ધ થાય તે માટેની તાલીમ શરૂ કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુંબઈમાં
35 વર્ષથી કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપતા મૂળ કચ્છના ડો.
સૈયદ એ. મર્ચન્ટે એડવાન્સન્ડ હાર્ડ ફેલ્યોર
અને સીકેએમ સિન્ડ્રોમ વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું. કાર્ડિયાક ફેલ્યોરના કેસની
દેશમાં સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ પરિસ્થિતિ કેન્સરના ચોથા સ્ટેજ કરતાં પણ ગંભીર છે. તેમણે કાર્ડિયાક ફેલ્યોરના કિસ્સામાં જી.ડી.એમ.ટી. સારવાર કારગત નીવડતી હોવાનું કહ્યું હતું. આ પદ્ધતિમાં
ચાર દવા આરની, બેટાબ્લોકર,
એસ.જી.એલ.ટી.-2 ઈનહિબિટર અને એમ.આર.એ.નો સમાવેશ થાય છે. આ ચાર દવા મુખ્ય આધારસ્તંભ
હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે,
હૃદયની નિષ્ફળતા ધરાવનાર વ્યક્તિને પલ્મોનરી હાયપર ટેન્સન થાય છે. તેમણે
જણાવ્યું હતું કે, હૃદયના પ્રત્યારોપણ પહેલાં શત્રક્રિયા અને સપોર્ટિંગ ડિવાઈસનો ખર્ચ ઘણો છે. તેને ઘટાડવા
માટેનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું
હતું, જે શહેરોમાં કેથલેબ સહિતની સુવિધા હશે ત્યાં તબીબોને તાલીમ
આપવા માટેના પ્રોગ્રામ બનાવવાની માહિતી તેમણે આપી હતી. તેમણે વયસ્ક અને યુવાનોના હાર્ટ
ફેલ્યોરના કેસ અંગેની વિગતો પણ આપી હતી. હૃદયની નિષ્ફળતાની ભૂમિકામાં મેદસ્વિતા મુખ્ય
હોવાનું તેમણે કહ્યું હતું અને એચ.બી.એ. વન-સી, ક્રિએટીનાઈન, થાયરોઈડ, કેન્સરની
વારસાગત બીમારી સહિતની બાબતોને જાણવી જરૂરી છે. તબીબોને હૃદયની નિષ્ફળતાના કેસમાં શ્રેણીબદ્ધ
લક્ષણો જાણવા પડતા હોવાનું કહ્યું હતું. આરંભમાં કચ્છના પૂર્વ સીડીએમઓ અને રામબાગ હોસ્પિટલના
પૂર્વ અધીક્ષક ડો. કશ્યપ બૂચે પ્રાસંગિક વક્તવ્ય આપી તેમણે વકતાનો પરિચય આપ્યો હતો.
કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનોના હસ્તે કેક
કાપીને ડોક્ટર-ડેની આગોતરી ઉજવણી કરી હતી. આ વેળાએ ડો. વી.એલ. મોરખિયા, ડો. જ્વલિત મોરખિયા, ડો. હર્ષ ટીલવાણી, ડો. રાજેશ ગાંધી, ડો. એન.એલ. જોષી, ડો. અશોક ઠક્કર, ડે. ડી.પી. સિંઘ, ડો. રાજેશ માહેશ્વરી તેમજ બહોળી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં ગાંધીધામ આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. મોહનીસ
ખત્રી, સેક્રેટરી અભિષેક નાયક, ઉપપ્રમુખ
ડો. રાજીવ ચંદનાની, ખજાનચી ડો. કિશન કટુઆ, જોઈન્ટ સેક્રેટરી ડો. બિકેશ મહેતા, ડો. રેનુ ચંદનાની,
ડો. જય ગણાત્રા, રોહિત સોમૈયા, ડો. કુલદીપ મેનિયા સહયોગી બન્યા હતા.