મહાનગર મુંબઇમાં બુધવારે મેઘરાજાએ 14-15 ઇંચની મહેર કરીને અસહ્ય ગરમીમાં
રાહત આપી. ગુજરાતમાંય ચોમાસું ત્રુટક ત્રુટક આગળ વધતું હોવાના વાવડ છે, પરંતુ અલ નીનોની અસર હેઠળ નૈઋઍત્ય ચોમાસું નબળું
રહેવાના વર્તારાથી ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. ભારત કૃષિપ્રધાન દેશ છે અને ચિંતાના કેન્દ્રમાં
ખેડૂતો-પશુપાલકો હોય એ સ્વાભાવિક છે. મુંબઇમાં વરસાદ લગભગ 14-15 દિવસ મોડો પહોંચ્યો. ગુજરાતમાં
દક્ષિણ ભાગ સિવાય હજુ મેઘરાજાએ અમીદૃષ્ટિ કરી નથી. અરે... પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જેવાં
સંકેતોએ દેખાતા નથી. સવાર પડે ને થોડાં વાદળ હોય... સૂરજ ચડે એટલે ગરમીનું સામ્રાજ્ય.
ભેજ-બફારાથી જનજીવન અકળાઇ ઊઠયું છે. હવામાન વિભાગે જુલાઇના પ્રથમ અઠવાડિયા સુધી ચોમાસાની
સક્રિયતા ઓછી રહેશે એમ જણાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિધ
વિભાગોની બેઠક યોજીને અલ નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરી છે,
તેમ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુષ્કાળ સંદર્ભે બેઠક યોજી
છે. વરસાદની આગાહી દરરોજ થઇ રહી છે, પણ અપેક્ષા અનુસાર આવતો નથી.
નબળું ચોમાસું આર્થિક-સામાજિક સ્થિતિ અને દેશનાં ભવિષ્ય ઉપર વિપરીત અસર પાડશે તે નક્કી
છે. 2026-27ના વર્ષમાં અલ નીનોની અસર રહેશે.
અત્યારે તે અસરની સંભાવના 80 ટકા છે અને
નવેમ્બર સુધીમાં 90 ટકા થશે.
વૈશ્વિક સ્તરે આ સંદર્ભે સંશોધન કરી રહેલા વિજ્ઞાની સંસ્થાનોનો અભિપ્રાય એવો છે કે
1950 પછી આટલી તીવ્રતા સાથે અલ નીનો
પહેલીવાર આકાર લઈ રહ્યું છે. આની ઉપેક્ષા ભારે પડી શકે છે. માત્ર વાતાવરણની આ આગાહી
કે અનુમાન નથી, ખાદ્ય સુરક્ષા,
અધિક રોજગારી, મોંઘવારી અને આર્થિક વિકાસદર ઉપર
ઝળૂંબી રહેલા જોખમની આ ઘંટડી છે. આપણી વર્તમાન કે અગાઉની કેન્દ્ર સરકારે, વિવિધ રાજ્યોની સરકારે જળસ્રોતો, જળસંચયના અનેક પ્રકલ્પો,
ઉપાયો કર્યા છે તેનો ઈનકાર કરી શકાય નહીં. ગુજરાતમાં જ આકાર પામેલી-સાકાર
થયેલી `સૌની'
યોજના તેનું વિશિષ્ટ ઉદાહરણ છે. કચ્છમાં નર્મદાનાં ચોમાસાંમાં 10 લાખ એકર ફૂટ વધારાનાં પાણીની
યોજનાનો જોરશોરથી અમલ શરૂ થયો છે પણ યાદ રહે એ બધા માનવીય પ્રયાસોનો આધાર તો કુદરત
જ છે. વરસાદ સારો થશે તો જ તેનો ફાયદો. ફક્ત સ્રોત હોવાથી - સંગ્રહ સ્થાન હોવાથી શું
થશે? આખરે પાણી આવવું જરૂરી છે અને ભારતમાં કૃષિ
માટે, પીવા માટે જળસ્રોતો ભરાવા જરૂરી છે, તેમાં 70 ટકા જથ્થો
વરસાદી પાણીથી જ આવે છે. અત્યારે જ વરસાદમાં 92 ટકાની ઘટ છે. જળસ્રોતમાં ઘટાડો, કૃષિ ઉત્પાદન ઓછું - આ બધું તો થશે જ,
સાથે ગરમીનું પ્રમાણ વધશે તો શ્રમિકોની ઉત્પાદકતાથી લઈને અન્ય સમસ્યા
પણ થશે. અત્યાર સુધીના અપૂરતા વરસાદને લીધે ખરીફ પાકની વાવણી પણ થવી જોઈએ એટલી-એવી
થઈ નથી. છેલ્લી સ્થિતિ એવી છે કે, દેશમાં 315 જિલ્લા સંભવિત રૂપથી દુષ્કાળથી
અસરગ્રસ્ત થશે. 111 જિલ્લા અત્યંત
સંવેદનશીલ છે. દુષ્કાળની શક્યતા માત્ર ખેડૂતની સમસ્યા નથી. અનાજ મોંઘું થશે તેને લીધે
અન્ય વર્ગના લોકોનાં ખિસ્સાં ઉપર પણ ભારણ વધવાનું છે. સૌરાષ્ટ્ર તો વર્ષોથી સિંચાઈ
માટે બાહ્ય જળસ્રોતો ઉપર આધારિત છે. અહીં કોઈ બારમાસી નદી નથી, ડેમો છે, જેમાં જળજથ્થો
ઘટતો જાય તો પ્રશ્નો ઊભા થાય જ. નર્મદાજળ આધારિત યોજના ગુજરાત માટે જીવાદોરી બની છે.
ચિંતા એટલે જ છે કે વરસાદ જ ન પડે તો બહારથી આવતું પાણી પણ કેવી રીતે આવશે?
ઇશ્વરને પ્રાર્થના કરીએ કે આ બધી ચિંતા, ઉચાટ,
પૂર્વ તૈયારીઓ ધોધમાર વરસાદનાં વહેણમાં ધોવાઇ જાય.