• બુધવાર, 01 જુલાઈ, 2026

ભુજમાં મકાન વેચવાના બહાને 72 લાખની ઠગાઈ

ભુજ, તા. 30 : મકાન વેચાતું આપવાનો વિશ્વાસ સંપાદિત કરી 72 લાખ પડાવી દસ્તાવેજ ન બનાવી આપી અને નાણાં પરત ન આપી વિશ્વાસઘાત - છેતરપિંડી કર્યાની બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. આ અંગે સવિસ્તાર બી-ડિવિઝન પોલીસ મથકે ભુજના બસ સ્ટેશન રોડ પાસે છેલ્લાં 50 વર્ષથી માંડવી ડબલ રોટીની દુકાન ચલાવતા 74 વર્ષીય તુલસીદાસ ચત્રભુજ સેજપાલે નોંધાવેલી ફરિયાદ મુજબ 25 વર્ષ પહેલાં તેમની પાસે યુનુસ હારૂન કાતિયાર (ભુજ) નામની વ્યક્તિ નોકરી કરતી હતી અને બાદ તેણે બેકરી ચાલુ કરી હતી, આથી ફરિયાદી તેની પાસેથી ડબલ રોટીના પાંઉની ખરીદી કરતા હતા અને સારી રીતે ઓળખતા હતા. યુનુસ જમીન લે-વેચની દલાલી કરતો હતો અને તેનો મિત્ર ઈકબાલ સુલેમાન લોહારવાઢા (ભુજ) પણ દલાલીનું કામ કરતો હતો. માર્ચ-2025માં બન્નેએ ફરિયાદી પાસે આવીને કહ્યું કે, ભુજના વાલરામનગર પ્લોટ નં. 115માં મકાન છે. જે અમારી માલિકીનું છે અને 75 લાખમાં વેચવાનું છે. ફરિયાદીએ બજાર કિંમત કાઢતાં 70 લાખનું હોવાથી 70 લાખમાં લેવા જણાવતાં બન્નેએ સહમતી દર્શાવી હતી અને તેઓએ કહ્યું કે, સાટાકરાર કરવાના બદલે સીધો દસ્તાવેજ કરી આપશું. ફરિયાદી બન્નેને ઓળખતા હોવાથી દસ્તાવેજ માટે સહમતી આપી દીધી હતી. આ બાદ બન્નેએ જણાવ્યું કે, હાલ ટોકન મળતા નથી. ટોકન મળેથી દસ્તાવેજની નોંધણી કરી આપશું. આ બાદ મે-2025ના બન્નેએ ફરિયાદીનાં ઘરે આવીને જણાવ્યું કે, દસ્તાવેજ લખનાર પાસે દસ્તાવેજ લખવા આપ્યા છે. રૂા. 18,50,000નો ચેક અને બાકીના રોકડા રૂપિયા તથા અંદાજે બે લાખ સ્ટેમ્પ ડયૂટી તથા રજિસ્ટ્રેશનના આપવાના થશે, આથી ફરિયાદીએ 18.50 લાખનો ચેક તથા રૂા. 53,50,000 રોકડા એમ કુલે રૂા. 72 લાખ આપ્યા હતા. તા. 16-5-2026ના ઈકબાલનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ટોકન મળ્યું હોવાથી દસ્તાવેજ લખનારની ઓફિસથી લખાયેલા દસ્તાવેજ લઈને રજિસ્ટ્રાર ઓફિસમાં આવો, રજિસ્ટ્રાર ઓફિસમાં જતાં બન્નેએ ફોન ઉપાડયા નહીં. આથી ફરિયાદીએ દસ્તાવેજ વાંચતાં તેમાં પરાગ હીરાલાલ ભગલાણી અને નૂતન પરાગ ભગલાણીનાં નામે વેચનારનો દસ્તાવેજ હતો, આથી દસ્તાવેજ લખનારને પૂછતાં યુનુસ અને ઈકબાલનો વેચનારનો દસ્તાવેજ નથી, કોઈ બીજાનો છે, જેથી રેકર્ડમાં પરાગભાઈ અને નૂતનબેનનાં નામ હોવાથી વેચનારમાં નામ લખ્યું છે. આ બાદ ઈકબાલે ફોન કરી જણાવ્યું કે, મિલકત અમારા બન્નેની છે, પણ દસ્તાવેજ પરાગભાઈ અને નૂતનબેનનાં નામના છે અને પરાગભાઈના માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતાં હોસ્પિટલ લઈ ગયા છે, જેથી દસ્તાવેજ માટે અત્યારે નહીં આવી શકે, બીજું ટોકન લેવું પડશે. આથી ફરિયાદીએ માનવતા દાખવી હોસ્પિટલનું નામ આવતાં વાંધો ઉપાડયો નહીં, પરંતુ 10-15 દિવસ બાદ યુનુસને ફોન કરતાં તેણે કહ્યું કે, આપણી સાથે વિશ્વાસઘાત થયો છે અને આપણી મિલકત બીજાને વેચાણ કરી નાખી છે. આથી ફરિયાદીએ કહ્યું કે, મારા બધા રૂપિયા પાછા આપી દો, સોદો રદ કરો, જેથી યુનુસે જણાવ્યું કે, અમારા રૂપિયા ડૂબી ગયા છે, થોડો સમય રાહ જુવો અમે આ લોકો સામે પોલીસ ફરિયાદ કરીશું અને તમારા રૂપિયા પાછા આપી દઈશું. આ બાદ બન્ને અવારનવાર વાયદાઓ કરતા હતા અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી ફરિયાદીએ દસ્તાવેજમાં વેચનાર તરીકેના પરાગભાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, બન્ને મારી પાસે મકાન ખરીદવા આવ્યા હતા અને ટોકન પેટે રૂા. 5,100 આપીને બાદમાં પાછા આવ્યા જ નથી. અમને રૂપિયાની જરૂરત હોઈ મકાન વેચી નાખ્યું છે. આ બાદ આરોપી યુનુસ અને ઈકબાલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, હવે તમને રૂપિયા પાછા નહીં મળે, જે થાય તે કરી લેજો. પોલીસે આ બન્ને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd