• બુધવાર, 01 જુલાઈ, 2026

મહાપાલિકાની સભા કોંગ્રેસના સાત સભ્યના વોકાઉટ સાથે પૂર્ણ

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરીમાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં કર્મચારીઓની બઢતી તથા સમિતિઓના નિયમો,વ્યાજ માફી યોજના, મિલકત આકારણી અને વાહનવેરો દાખલ કરવા સહિતના એજન્ડા ઉપર ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષના સભ્યોએ મેજ થપથપાવવાનું શરૂ કરતાં કોંગ્રેસ એ ગરીબોના પ્રશ્નોને વાચા આપતી નથી તેવા આક્ષેપો સાથે સાત સભ્યએ વોકઆઉટ કરી લીધા બાદ સામાન્ય સભા પૂર્ણ થઈ હતી. મેયર દિવ્યાબેન નાથાણીની અધ્યક્ષતામાં મળેલી સભામાં પ્રારંભે કમિટીઓની રચના અને તેના ચેરમેનની વરણી કરવાના મુદ્દે ચર્ચા થતાં કોંગ્રેસે બે કમિટીમાં સ્થાન આપવાની માંગ કરી હતી. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને આવી કોઈ જોગવાઈ નથી તેઓ પ્રતિભાવ આપ્યો હતો. ત્યારપછી નાયબ મ્યુનિસિપલ કમિશનરે કમિટીઓની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.  અલગ અલગ સમિતિઓ રચાઇ અને તેના ચેરમેનોની વરણી કરીને નામ જાહેર કર્યાં હતાં. ત્યારબાદ કોંગ્રેસના કોર્પોરેટર અમિત ચાવડા દ્વારા કર્મચારીઓને મહાનગરપાલિકામાં સમાવવાના મુદ્દે લિસ્ટ તેમજ નિયમો માગવામાં આવ્યા હતા નગરપાલિકા જેવી સ્થિતિ મહાનગરપાલિકામાં નહીં ચાલે અને તમામ મુદ્દાઓ એજન્ડાઓની કોપી પહેલાં આપવાની માંગ કરી હતી. તેના જવાબમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે આ પ્રથમ સભા છે. આગામી સામાન્ય સભાથી સભ્યોને એજન્ડાઓ સાથે તમામ માહિતી મળી જશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ વ્યાજ માફી યોજના લાગુ દરખાસ્ત કરવાની છે તેને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું અને સર્વ સંમતિથી આ યોજના લાગુ કરવામાં આવે તેવું કહ્યું હતું. વાહનવેરો દાખલ કરવાના મામલે કોંગ્રેસ અને સત્તાધારી પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સત્તાધારી પક્ષના સભ્યોએ  મેજ થપથપાવવાનું શરૂ કરતાં કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ કોંગ્રેસ વોકઆઉટ કરે છે તેમ કહીને સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જો કે, કોંગ્રેસના અમિત ચાવડા સહિતના ત્રણ સભ્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ લગભગ સામાન્ય એક બે મુદ્દા ઉપર ચર્ચા થઈ બાદ સભા પૂર્ણ કરવામાં આવી હતી. - ગ્રામીણ વિસ્તારની અનદેખીનો વિપક્ષનો આક્ષેપ  : વાહનવેરો દાખલ કરવાના મામલે ઉગ્ર ચર્ચા થતી હતી તે દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ ગુપ્તાએ 13 વોર્ડની વોર્ડ ઓફિસ નથી, નગરપાલિકા વખતની ઓફિસોમાં ગાડું ગબડાવાઈ રહ્યું છે, લોકો પર ટેક્સ નાખવા જઈ રહ્યા છો, ત્યારે ગામડાંઓના વિકાસ માટેનું કોઈ આયોજન લેવામાં આવ્યું નથી તે બાબત ઉપર સત્તા પક્ષનો ઘેરાવ કર્યો હતો. વરસાદ પડવા દયો વિકાસ જોવો છે. વાહનવેરો લોકો ઉપર ભારી પડશે પહેલા વિકાસ આપો અને પછી વેરા કરાવો તેમ કહ્યું હતું.  

Panchang

dd