દહીંસરા (તા. ભુજ), તા. 30 : આ ગામથી ચાર
કિ.મી. દૂર ધુણઇ સીમમાં જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં 27 ફૂટ ઊંચી 13 લાખના ખર્ચે આદિયોગી શિવની
પ્રતિમા સ્થાપિત છે. યાત્રાધામ સાથે પ્રવાસધામની ઓળખ હોવાથી હજાર લીલા વૃક્ષો વાવેલાં
છે. આસપાસમાં 15થી વધારે ભેડિયા-ક્રસર પ્લાન્ટ આવેલા છે.
તે રાત-દિવસ ધમધમે છે. આ ભેડિયાની ભૂકી ઊડે છે, કાળી મેશ જેવી ધૂળથી શિવ પ્રતિમાને ડાઘ લાગે છે. સફેદ મૂર્તિ આખી કાળી બની
જાય છે, તેથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. દર્શન કરવા આવતા શ્રદ્ધાળુના
હાથ-પગ કાળી ધૂળથી ભરાઇ જાય છે. જંગલેશ્વર મંદિર વિકાસ ટ્રસ્ટ દ્વારા આ બાબતે ક્રસર
પ્લાન્ટના માલિકોને જાણ કરાઇ યોગ્ય પગલાં ભરવા અનેક વખત રજૂઆતો થઇ છે, પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બે વર્ષ વીતી ગયા, કોઇ પગલાં ભરાયાં નથી. કલેક્ટર તથા ખાણ-ખનિજ ખાતું આ બાબતે યોગ્ય પગલાં ભરીને
ખાણમાલિકોને યોગ્ય સૂચનો કરે. ધાર્મિક લાગણીઓ દુભાતી દૂર કરે તેવી વિકાસ ટ્રસ્ટ જંગલેશ્વરના
ટ્રસ્ટીઓની માંગ છે.