ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની
હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ અંગે પોલીસને બાતમી આપનાર
યુવાનની ભાળ બુટલેગરો પાસે પહોંચી જતાં તેને રાજસ્થાન લઈ જઈ તેને મરણતોલ માર મારવામાં
આવ્યો હતો જેના પગલે તેણે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું હતું.
બાતમીદારોના નામ જો જાહેર થઈ જતાં હોય તો ભવિષ્યમાં પોલીસને કોઈ બાતમી નહીં આપે તેવો
ગણગણાટ ખુદ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો. આ ચકચારી બનાવ અંગે અંતરંગ સૂત્રો પાસેથી
મળતી વિગતો મુજબ થોડા સમય પહેલાં ટપ્પરની સીમમાંથી પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડયો હતો
અને વાહવાહી મેળવી હતી, પરંતુ હવે
કાળી ટીલી સમાન બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસને બાતમી આપનારા યુવાનનું નામ ગમે તે
રીતે લીક થઈ જતાં બુટલેગરોના માણસોએ આ આડેસરના યુવાનને રાજસ્થાન બોલાવ્યો હતો અથવા
તેને ફરવા લઈ ગયા હતા તેવું બહાર આવ્યું હતું જ્યાં બાદમાં અચાનક આ યુવાનને મરણતોલ
માર મારવામાં આવ્યો હતો તેમજ અન્ય રાજસ્થાની અમુક યુવાનોને પણ માર મરાયો હોવાનું જાણવા
મળ્યું હતું. બાદમાં આ યુવાનનું અકસ્માત થયું હોવાની વાત ફેલાવવામાં આવી હતી. દરમ્યાન
ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદની કોઈ હોસ્પિટલમાં લઈ જવાયો
હોવાનું પણ સામે આવ્યું હતું, જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડી
દીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી અને ગણગણાટ કરતી આ
વાત પોલીસ બેડામાં પ્રસરી ગઈ હતી. લાખોની દારૂની બાતમી આપનારા લોકોના નામ આવી રીતે
જાહેર થઈ જતાં હોય તો ભવિષ્યમાં પોલીસનો કોઈ ભરોસો નહીં કરે તેવો ગણગણાટ પોલીસ બેડામાં
સાંભળવા મળ્યો હતો. બાતમીદારો પોલીસના જમણા હાથ હોય છે તેમને જ કાપવાનું શરૂ કરાશે
તો લોકોનો પણ પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે તેવું પણ સાંભળવા મળ્યું હતું. આ પ્રકરણ
અંગે મોડી રાત્રે આડેસર પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ હોવાનું
અને તે ફરિયાદ રાજસ્થાન મોકલવાની હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. પૂર્વ કચ્છમાં
બુટલેગરોની હુંસાતુંસી, દાદાગીરી કેટલી હદે વકરી ગઈ છે,
કેટલા બેફામ બન્યા છે તે આવા બનાવો પરથી ફલિત થતું હોવાનું જાણવા મળ્યું
હતું. પોલીસ માટે કાળી ટીલી સમાન આ બનાવમાં જો પોલીસમાંથી બાતમીદારનું નામ લીક થયું
હોય તો તેમને પણ મદદગારીમાં લેવા જોઈએ તેવું જાગૃત લોકો જણાવી રહ્યા છે.