• બુધવાર, 01 જુલાઈ, 2026

વીજસમસ્યાથી ત્રસ્ત માંડવીવાસીઓની તંત્ર સમક્ષ ધા

માંડવી, તા. 30 : આ બંદરીય શહેરના નદીપાર વિસ્તારની અડધો ડઝન સોસાયટીઓમાં વીજ પુરવઠાના કથિત ધાંધિયા, લો વોલ્ટેજની સમસ્યાઓ વગેરેથી ત્રાસેલા રહેવાસીઓ ત્વરિત હકારાત્મક નિરાકરણ લાવવાની સામૂહિક માંગ અત્રેના વીજ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસે કરી હતી. આ સંબંધે એક્ઝિક્યુટિવ ઇજનેર રિતેશભાઇ વારાએ ટેકનિકલ પરિસ્થિતિ દર્શાવીને બે અઠવાડિયાં દરમ્યાન ફીડર બદલી જેવો હલ લાવવા તંત્ર પ્રવૃત્ત હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. રુકતાવતી નદી સામે આવેલી સોસાયટીઓમાં નીલકંઠનગર, પૂનમનગર, સહજાનંદનગર, નર નારાયણ નગર, રાધેશ્યામ નગર (પંચનગર) વગેરે વસાહતોમાં છેલ્લા દોઢ-બે મહિનાથી વીજ પુરવઠો અવાંતરે ખોરવાઇ જવા, લો વોલ્ટેજની સમસ્યા વગેરેથી ઉપભોકતાઓ હવે કંટાળીને તંત્ર પાસે સામૂહિક `ધા' નાખવા અને લેખિત આવેદનપત્ર પ્રસ્તુત કરવા વિભાગીય વીજ કચેરીએ પહોંચ્યા હતા. ભૌગોલિક રીતે સમાંતર સબ સ્ટેશન ખડું કરવા માટેની પણ સમસ્યા નડે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપરોક્ત વિસ્તારને વીજ પુરવઠો સલાયા, ગુંદિયાળી ફીડરમાંથી મળતો હોવાથી અને તાજેતરમાં મોહરમ જેવા ધાર્મિક અવસરોને પરિણામે ટેકનિકલી પડકારને લીધે ઊભી થયેલી હાડમારીનો હલ લાવવા તંત્રે ધરપત આપી છે. રિતેશભાઇ વારાએ કહ્યું હતું કે, સલાયા-ગુંદિયાળી ફીડરમાંથી અપાતો વીજ પુરવઠો સિટી ફીડરમાંથી આપી શકાય તે વાસ્તે માળખાંગત વિસ્તરણનાં પગલાં લેવા તંત્રે કામગીરી હાથ ધરી લીધી હોવાથી એકાદ પખવાડિયામાં ફીડર બદલીની માગણી સંતોષી દેવાશે. અસહ્ય ગરમી-ઉકળાટ થકી વીજ વપરાશમાં નોંધપાત્ર ઈજાફો થવાથી અને વાસ્તવિક લોડ ભારથી તંત્રને વાકેફ કરવામાં સુસ્તી દર્શાવવાનાં કારણે પણ સમસ્યાને કારણ મળતું હોવાનું માહિતગારોએ કહ્યું હતું. 

Panchang

dd