• શુક્રવાર, 26 જૂન, 2026

બિનખેતી માટે કચ્છના પાંચ હજાર સર્વે નંબર પર `બ્રેક'

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 25 : એક બાજુ ખેતીની જમીન ધડાધડ બિનખેતી થાય છે એ પણ વિકાસ છે, ત્યાં બીજીબાજુ સિંગલ કે ડબલ રોડને બદલાવી ફોરલેન-સિક્સલેન કરવા એ વિકાસ છે ત્યારે બન્ને બાજુના વિકાસમાં વચ્ચે કયાંક અંતરાય આવતો હોવાથી મારગના વિસ્તૃતીકરણ કરવા પૂર્વે કરી દેવામાં આવતી બિનખેતીની પ્રક્રિયાનાં કારણે સંપાદનમાં મોટો અવરોધ પેદા થતો હોય છે અથવા ભૂમિ અધિગ્રહણ કાયદાના કારણે મોટા-મોટા પ્રોજેક્ટ વિલંબમાં મુકાતા હોવાથી સરકારે આગામી એક વર્ષ માટે બિનખેતીની મંજૂરીને સ્થગિત કરી દેતાં કચ્છમાં અત્યારે બે હજારથી વધારે સર્વે નંબરના વિકાસ ઉપર રોક લાગી ગઈ છે. તાજેતરમાં ગુજરાત સરકારે  બિનખેતીની કલમ 65 હેઠળ આપવામાં આવતી પરવાનગી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે  તો જમીન કે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગને આશ્ચર્ય થયું કે બિનખેતી પર રોક શા માટે તો આ હકીકત જાણવી અત્યંત રસપ્રદ છે. - માત્ર પરિપત્ર નથી : સરકારનો માત્ર આ એક પરિપત્ર નથી, પરંતુ સરકાર દ્વારા ખૂબ જ વિચારણા અને તજજ્ઞોની સલાહના આધારે આ નિર્ણય કર્યો છે. કચ્છમિત્ર દ્વારા વિષયના નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો તો રિયલ એસ્ટેટના વેપારીઓએ પોતાનું નામ નથી આપ્યું પણ સિલસિલાબંધ વિગતો જરૂર આપી હતી. જાણકારો કહે છે કે, જ્યાં રસ્તાઓની પોહળાઈ વધારી ફોરલેન કે સિક્સલેન, બાયપાસ કરવાના નિર્ણય લેવામાં આવે છે એના માટે સરકાર પાસેથી તો એટલી જમીન ઉપલબ્ધ હોતી નથી એટલે નાછૂટકે નજીકની ખાનગી જમીનો લેવાની થતી હોય છે. - જાહેરાત થતાં જ સળવસાટ : મોટી લંબાઈવાળા રસ્તા માટે મોટી રકમ હોય તો સ્વાભાવિકે જે-તે વિસ્તારના લોકપ્રતિનિધિઓની સતત રજૂઆતને કારણે જ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાય ત્યારે મોટાપાયે જાહેરાત થતી હોય છે. ફોરલેન કે બાયપાસ અથવા અન્ય રીતે તો બિનખેતી વિષયના જાણકારો અને રોકાણકારો રસ્તાના એલાઈનમેન્ટની ખણખોદ કરી ખેતીની જમીનો ખરીદી લેતા હોય છે અને પાછળથી એ ભૂમિને બિનખેતીમાં ફેરવી દેવામાં આવે છે. - સંપાદનમાં મોટો તફાવત : જાણકારો કહે છે કે, ખેતી અને બિનખેતીવાળી જમીનનું સંપાદન થાય છે તેમાં સરકારને આર્થિક વળતરમાં મોટો તફાવત આવે છે. જે મારગનું વિસ્તૃતીકરણ થવાનું હોય ને જમીનની જરૂરત હોય તો જો બિનખેતી થયેલી હોય તો સંપાદન  પ્રક્રિયા ખોરંભાય છે, ઉપરાંત કરોડો રૂપિયાની 10 ગણું વળતર આપવું પડે છે એટલે સરકારે ખૂબ વિચારણાના અંતે જ્યાં-જ્યાં સંપાદન થવાનું છે ત્યાં હાલ બિનખેતી પર બ્રેક લગાવી દીધી છે. - રેલડીનો મુદ્દો તાજો : તાજેતરમાં રેલડી પાસે રેલવેના ઓવરબ્રિજના મામલે મોટી માથાકૂટ થઈ છે કેમ કે, ખેડૂતો જમીન આપવા તૈયાર નથી. ક્યાંક બિનખેતી પણ આવી જતી હોવાથી એલાઈનમેન્ટ રેલવે દ્વારા ફેરફાર કરવામાં આવતાં ખેડૂતો નારાજ થયા ને મોટી બબાલ સર્જાઈ હતી. - કચ્છમાં રોક લાગશે : આ નિર્ણયનાં કારણે કચ્છમાં શું અસર થશે આ મુદ્દે અધિક કલેક્ટર પાર્થ કોટડિયાને પૂછતાં તેમણે કહ્યું કે, સરકારે પરિપત્રમાં જણાવ્યું હતું કે, નવા પ્રોજેક્ટ પર વિપરિત અસર થાય છે અને અત્યારે કચ્છમાં 25 જેટલા મોટા-મોટા રોડ વિસ્તૃતીકરણના પ્રોજેક્ટ છે. સરકારે સંપાદન સંસ્થાને કામ સોંપ્યું હોવાથી ડીપીઆર એટલે કે પ્રોજેક્ટની પ્રાથમિક વિગતો મેળવવાની તૈયારી ચાલતી હોવાથી પ્રોજેક્ટમાં આવરી લેવાયેલા ગામોની યાદી કલેક્ટરને સોંપવાની રહેશે. - રોડ નેટવર્કનો જબરો વિકાસ : કચ્છમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ, જી.એસ.આર.ડી.સી., રાષ્ટ્રીય ધોરીમાર્ગના કચ્છમાં મોટા-મોટા પ્રોજેક્ટ આવવાના છે અથવા ચાલુ છે. ખાસ કરીને ભુજ-બાયપાસ, ભુજ-નખત્રાણા ફોરલેન, સામખિયાળી-માળિયા સિક્સલેન, નખત્રાણા-દયાપર  ફોરલેન, ભુજ-ખાવડા, માંડવી-મુંદરા વચ્ચે આવતાં ગામોને બાયપાસ, ઘડુલી-સાંતલપુર સહિતના રસ્તા પહોળા કરવાના આયોજન હાથ ઉપર છે. - એક વર્ષ સ્થગિત : આ તમામ પ્રોજેક્ટ હેઠળ આવતાં કચ્છના જુદાં-જુદાં ગામ કે શહેરોના તમામ સર્વે નંબરવાળી જમીનોમાં બિનખેતી એક વર્ષ માટે સ્થગિત રાખવાનો હુકમ કરવામાં આવ્યો હોવાથી કચ્છમિત્ર દ્વારા કચ્છના આવા કેટલા સર્વે નંબરને અસર કરી શકે છે તે અંદાજે પાંચ હજાર નાના-મોટા ખેતીવાડીના સર્વે નંબર સંપાદન પ્રક્રિયામાં આવી જાય તેમ હોવાથી પ્રોજેક્ટવાળા આવા સર્વે નંબરોમાં બિનખેતી કરવા નહીં દેવા, જ્યારે બાકીના જે નથી આવતા ત્યાં બિનખેતી કરી શકાશે તેવું સ્પષ્ટ પરિપત્રમાં જણાવાયું છે. - એલાઈનમેન્ટવાળા સર્વે નંબરની યાદી કલેક્ટરને સોંપવાની રહેશે : ભુજ, તા. 25 :  સરકારે બહાર પાડેલા પરિપત્રમાં સેકશન અધિકારી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિચારણાને અંતે જમીન સંપાદન અંતર્ગત સંપાદન થનાર જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા બાબતે અનુસરવાની કાર્યપ્રણાલી રહેશે. સંપાદક સંસ્થા દ્વારા ડીપીઆર તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય તેવા તબક્કે યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનાર ગામોની યાદી જિલ્લા કલેકટરને સોંપવાની રહેશે. યાદી મળ્યેથી યાદી મુજબનાં ગામોની બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાની રહેશે.બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી સ્થગિત કર્યાના 60 દિવસના સમયગાળાની અંદર સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખ કરવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે અને આ કાર્યવાહી પૂર્ણ થયેથી માત્ર સંપાદન થનાર સર્વે નંબર માટે બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી સ્થગિત કરવાની રહેશે તથા અન્ય સર્વે નંબર માટે બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી કરી શકાશે. સંભવિત સર્વે નંબરની ઓળખ થયા બાદ સંપાદક સંસ્થા દ્વારા એલાઈનમેન્ટ કે યોજનાનું આખરીકરણ થયેથી એલાઈનમેન્ટ કે યોજનામાં સમાવિષ્ટ સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની યાદી કલેકટરને રજૂ કરવાની રહેશે અને આવા સર્વે નંબર માટે 1 વર્ષ સુધી બિનખેતી અંગેની કાર્યવાહી સ્થગિત કરવાની રહેશે, જેથી સંપાદક સંસ્થા જમીન સંપાદનને સંબંધિત મંજૂરીઓ મેળવી શકે અને જમીન સંપાદનની દરખાસ્ત કરી શકે. તેના અમલીકરણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એન.આઈ.સી. મારફત સોફ્ટવેરમાં જરૂરી સુધારા-વધારા કરવાના રહેશે. - કચ્છમાં ત્રણ લાખ ખેતીવાડી સર્વે નંબર : ભુજ, તા. 25 : કચ્છમાં ખેતીવાડીના સર્વે નંબર કેટલા હશે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ડી.આઈ.એલ.આર.માં તપાસ કરતાં સાચો આંકડો બહાર આવ્યો હતો. ડી.આઈ.એલ.આર.ના અધિકારી ડી.એસ. પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે કચ્છમાં ખેતીવાડીના ત્રણ લાખ સર્વે નંબરો આવેલા છે.  

Panchang

dd