ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ મહાનગરપાલિકાની આવકના
મર્યાદિત સ્ત્રોત વચ્ચે બમણા ખર્ચના કારણે સ્વભંડોળ ઓક્સિજન ઉપર આવી ગયું હોવાનું જાણવા
મળી રહ્યું છે. તેના કારણે સફાઈ, ગટર સહિતની આવશ્યક સેવાઓની જાળવણી નિભાવણી કરતી
એજન્સીઓના રૂપિયાનાં ચૂકવણા અટકી પડયાં છે. ધીરે-ધીરે તત્કાલીન સમયની નગરપાલિકા જેવી
સ્થિતિનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓએ મળીને સ્થિતિ ગંભીર
બને તે પહેલાં આર્થિક સદ્ધરતા માટે પગલાં ભરવા જરૂરી છે. મહાનગરપાલિકા પાસે આવકના સ્ત્રોત નથી. મિલકત વેરો,
વ્યવસાય વેરો તેમજ અન્ય એકમોમાંથી મર્યાદિત આવક થાય છે, તેમાં આખું વર્ષ કચેરીનો વહીવટ તેમજ આવશ્યક સેવાઓની નિભાવણી કરવામાં આવે છે,
પરંતુ આવક કરતાં ખર્ચ વધુ છે જેના પગલે સેવાઓની નિભાવણી યોગ્ય રીતે થઈ
શકતી નથી. આડેધડ ખર્ચના કારણે તિજોરી ઉપર બોજ વધી રહ્યો છે. હાલના સમયે સ્વભંડોળ ઓક્સિજન
ઉપર છે, તેના કારણે જેના સ્વભંડોળમાંથી ચૂકવણા કરવામાં આવે છે,
તેવી એજન્સીઓના પેમેન્ટ અટકી ગયા છે. ખાસ કરીને સફાઈ, ડોર ટુ ડોર, ગટર સફાઈ અને પાણીના લિકેજો દૂર કરતા-કરતા
કોન્ટ્રાક્ટરોને નિયમિત પેમેન્ટ થતાં નથી. જેના કારણે જે સ્વચ્છતા મિશનની વાતો કરવામાં
આવે છે તેના ઉપર ગંભીર અસર પડવાની વકી છે. મહાનગરપાલિકા બન્યા પછી પણ આવશ્યક સેવાઓ
સંભાળતી એજન્સીઓના પેમેન્ટ સમયસર મળતાં નથી. જાન્યુઆરીથી અનિયમિત ચૂકવણીના કારણે કોન્ટ્રાક્ટરોના
કરોડો રૂપિયા અટવાઈ ગયા છે, જેની સીધી અસર એજન્સીઓમાં કામ કરતા
શ્રમજીવીઓને પગાર કરવા સહિતની બાબતો ઉપર પડી રહી છે. ભૂતકાળમાં જે પાણીનું કૌભાંડ થયું
છે, તેમાં 31 કરોડની લાઈનો નાખવાના પ્રકલ્પમાં ગ્રાન્ટોની હેરાફેરી કરીને
રૂપિયાનું ચૂકવણું કરાયું હોવાના ગંભીર આક્ષેપો છે. તેમાં તપાસ પણ કરવાની હતી અને પગલાં ભરવાનાં હતાં
તે કાર્યવાહી થઈ નથી, પરંતુ હાલના
સમયે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સ્વભંડોળમાંથી સફાઈ તેમજ ડોર ટુ ડોર અને ગટર
ચેમ્બરોની સફાઈ કરતી એજન્સીઓને નિયમિત રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે તો આ સેવાઓ ચોમાસાં
દરમિયાન પણ વ્યવસ્થિત કાર્યરત રહે તેવી સંભાવના છે. આવશ્યક સેવાઓ માટે સરકારમાંથી ગ્રાન્ટની
પણ માગણી અથવા તો અન્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી છે, તેવું જાણકારો
કહી રહ્યા છે. તાજેતરમાં મિલકત વેરા પેટે લગભગ 10 કરોડની આસપાસની વેરા વસૂલાત
થઈ છે અને તેમાંથી મોટાભાગના રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે, એટલે તિજોરી ઓક્સિજન ઉપર આવી ગઈ છે તેવું સૂત્રો
કહી રહ્યા છે, ખરેખર આવશ્યક સેવાઓ સંભાળતી એજન્સીઓને પહેલાં ચૂકવણું
કરવું જરૂરી છે. હાલના સમયે માનીતા કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર મહેરબાન હોવાના આક્ષેપો
છે. - દેવાની સ્થિતિ
ઊભી થાય તે પહેલાં આવકના સ્ત્રોત શોધવા જરૂરી : તત્કાલીન
સમયની મહાનગરપાલિકા 55 કરોડની આસપાસના
દેવામાં ડૂબેલી હતી તે વચ્ચે મહાનગરપાલિકા બની એટલે આ કરોડો રૂપિયા ચૂકવવાનું કોકડું
ગૂંચવાયેલું છે. તત્કાલીન સમયના નાયબ મ્યુનિસિપલ કમિશનરે સરકારમાં દરખાસ્ત કરી છે, પણ કોઈ નિર્ણય આવ્યો નથી. મહાનગરપાલિકા દેવામાં
ન ડૂબે તે પહેલાં આવકના સ્ત્રોત ઊભા કરવા જરૂરી છે. ગ્રામીણ તથા શહેરી વિસ્તારની મિલકતોમાંથી ભાડાની
આવક, મિલકતોને આકારણી, અન્ય મહાનગરપાલિકાની
જેમ નવી ફોરવ્હીલ ખરીદવા ઉપર બે ટકા ટેક્સ, આ ઉપરાંતના આવકના
સ્ત્રોત શોધવા જરૂરી છે. હાલ તો આખી મહાનગરપાલિકા સરકારની ગ્રાન્ટ ઉપર ચાલી રહી છે.