હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 25 : જાહેર સ્થળોએ તમાકુ-માવા ખાવા
કે પછી ધૂમ્રપાન કરવા જેવા વ્યસનો પ્રતિબંધિત છે. આ જાહેર સ્થળોમાં સરકારી કચેરીઓનો
પણ સમાવેશ થાય છે, પણ કચ્છમાં
દીવા તળે અંધારાનો તાલ સર્જાયો હોય તેમ જેમને આ પ્રતિબંધનો અમલ કરવાનો થાય છે એ સરકારી
કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ વ્યસનના ચક્રવ્યૂહમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. અન્ય
જાહેર સ્થળોની વાત દૂર રહી પણ જેના શિરે અમલીકરણની મોટી જવાબદારી છે એ સરકારી કચેરીઓમાં
તમાકુ પ્રતિબંધિત વિસ્તારના નિયમોની છડેચોક અવહેલના થતી જોવા મળી રહી છે. કચ્છમિત્રની
ટીમે ભુજની અલગ-અલગ સરકારી કચેરીઓની મુલાકાત લઇ સ્થિતિ ચકાસી તો કચેરીઓની દીવાલ પાન-ગુટખાની
પીચકારીઓથી રંગાયેલી જોવા મળી, તો તમાકુ- ગુટખાની પડીકીઓ આમતેમ
વેરાયેલી જોવા મળી હતી. - સરકારી કચેરી
પરિસરો માટે કડક કાયદો : ગુજરાત સરકારે
2023માં અમલી બનેલા તમાકુ નિયંત્રણ
અધિનિયમ હેઠળ સરકારી કચેરી પરિસરોને તમાકુમુક્ત ક્ષેત્ર જાહેર કર્યા છે. કચેરીમાં ફરજ
બજાવતા કર્મચારીઓ તેમજ અહીં કામસર આવતા અરજદારો માટે દંડ વસૂલવા સહિતના કડક કાયદાની
જોગવાઇ કરવામાં આવી છે. વ્યસનમુક્તિની અમલવારી માટે કડક નિયમો છતાં તેનું યોગ્ય રીતે
અમલીકરણ થતું ન હોવાના કારણે કચેરીમાં ફરજ બજાવતા સરકારી બાબુઓ જ છૂપી રીતે વિવિધ પ્રકારના
વ્યસન કરતા જોવા મળી રહ્યા છે. - પોતાનાં સ્વાસ્થ્ય
સાથે સરકારી મિલકતને નુકસાન : પાન-મસાલા-ગુટખા
અને ધૂમ્રપાનના કારણે જે-તે વ્યક્તિ પોતાનાં સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે તેની
સાથે પરિવારની સ્થિતિને પણ ખરાબ કરે છે, તો કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ હોય કે અરજદારો તેઓ સરકારી મિલકતને પણ આ
વ્યસન થકી નુકસાન પહોંચાડે છે. કચ્છમિત્રની ટીમની મુલાકાત દરમ્યાન સૌથી વધુ ખરાબ સ્થિતિ
અલગ-અલગ 50થી વધુ ઓફિસ
ધરાવતા બહુમાળી ભવનમાં જોવા મળી જ્યાં શૌચાલય, કચેરીના ખૂણા તેમજ અન્ય મહત્ત્વની જગ્યા પાન-મસાલા અને ગુટખાની પીચકારીથી રંગાયેલી
જોવા મળી હતી. કચેરીમાં જ્યાં-ત્યાં ગુટખાની પડીકીઓ પણ વેરાયેલી જોવા મળી હતી. - સપ્તાહમાં એક દિવસ નો ટોબેકો
દિવસનું પાલન કરો : જાગૃત નાગરિકોએ
પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે, સરકારી
કચેરીમાં આમ તો ગુટખા-પાન-મસાલા ખાવા અને ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ છે આમ છતાં તેનું
કડક પાલન થતું નથી, ત્યારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ
માટે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત નો ટોબેકો દિવસ તરીકે અમલ કરાય તેવી લાગણી વ્યક્ત
કરાઇ છે. - સીસીટીવી
દ્વારા રખાતી નજર : કલેક્ટર કચેરી, જિ. પંચાયત, નવી પ્રાંત
કચેરી સહિતની મહત્ત્વની કચેરીઓમાં સીસીટીવી દ્વારા વ્યસન કરતા લોકો પર નજર રાખવામાં
આવે છે. સીસીટીવીમાં જો કોઇ વ્યસન કરતા દેખાય તો સરપ્રાઇઝ ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી
કરવામાં આવતી હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે. આ જ કારણોસર જિલ્લાની મહત્ત્વની
ગણાતી કચેરીઓમાં એકંદરે સ્થિતિ સારી જોવા મળી હતી. - વ્યસન કરનાર
સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી : સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળે વ્યસન
કરનાર માટે દંડ વસૂલવાની જોગવાઇ છે પણ તે ના
કાફી છે. ખાસ કરીને સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કડક શિક્ષાત્મક કાર્યવાહી
થાય તે એટલા માટે જરૂરી છે કે એક તો આ કારણે સરકારી કર્મીઓ વ્યસનના બંધાણી બનતા અટકશે
અને તેમના પરિવાર માટે પણ આ બાબત સારી રહેશે. ખરેખર તો વ્યસન કરનાર સરકારી કર્મીના
મળવાપાત્ર લાભો અટકાવાય તો તેની ઘણી વ્યાપક અસર પડી શકે તેમ છે. - સમયાંતરે
હાથ ધરાય છે સરપ્રાઇઝ ચેકિંગ : પોલીસ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વ્યસનમુક્તિ
કાયદાનો અમલ ચુસ્તતાપૂર્ણ થાય એ માટે સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ એટલે કે આકસ્મિક તપાસ
હાથ ધરવામાં આવે છે. તપાસણી દરમ્યાન કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.