ભુજ તા. 3 : જીવદયા, કરુણા અને માનવતાના પવિત્ર મૂલ્યોને જીવંત બનાવતા
સમર્પણ ગ્રુપ દ્વારા કરુણા-મહાયજ્ઞ અભિયાન અંતર્ગત સમાજમાં એક ઉત્તમ ઉદાહરણરૂપ બની
રહ્યું છે. ટૂંકા ગાળામાં જ કુલ રૂા. 45,08,000 જેટલું દાન એકત્ર થયું હતું. આ પ્રસંગે સમર્પણ ગ્રુપે જણાવ્યું
હતું કે, આજના સમયમાં જ્યાં સંવેદનાઓ ધીમે-ધીમે ક્ષીણ
થતી જાય છે, ત્યાં સમાજના જીવદયાપ્રેમી પરિવારો દ્વારા અબોલ જીવો
માટે દર્શાવવામાં આવેલી કરુણા અને સેવા ભાવના એક નવી આશા અને માનવતાનું સુંદર ચિત્ર
રજૂ કરે છે. `અભયદાન' માટે આગળ આવી જીવમાત્રને ભયમુક્ત જીવન આપવાનો
સંકલ્પ સર્વોત્તમ પુણ્યકાર્ય સમાન છે. દાદરના નીતાબેન ગાલાએ જણાવ્યું હતું કે,
આ સમગ્ર જીવરક્ષા અભિયાનમાં સમાજના અનેક દાતા પરિવારે મન મૂકીને સહયોગ
આપ્યો છે અને દયા તથા કરુણાની ગંગા વહાવી છે. દાતા પરિવારોના આ ઉમદા સહયોગથી અબોલ જીવોને
નવી જિંદગી અને સુરક્ષાનો આધાર પ્રાપ્ત થશે. જીવમાત્ર પ્રત્યે દયા રાખવી એ જ સાચો ધર્મ
છે. જીવરક્ષા અભિયાનને સફળ બનાવવામાં યોગદાન અપનારા દાતા પરિવારો તથા આગેવાનો પ્રત્યે
વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તમામ દિલેરી દાતા પરિવારો, વાગડ
બે ચોવીસી સમાજ (વીબીસી), સમર્પણ (જીવદયા) કમિટી, પ્રવીણભાઈ ગાલા, મનોજભાઈ સત્રા, નાનજીભાઈ ગાલા, જીતુભાઈ શાહ સહિત અનેક આગેવાનોના યોગદાનને
બિરદાવવામાં આવ્યું હતું. વડીલો નવીનભાઈ ખંડોર, પ્રાણલાલ વોરા,
સંજયભાઈ મોરબીઆ તથા નામી-અનામી અનેક જીવદયાપ્રેમીઓનો આભાર વ્યક્ત કરી
અનુમોદના કરાઇ હતી. સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા જણાવાયું હતું કે, આ અભિયાન માત્ર અનુદાન એકત્ર કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ
અબોલ જીવો પ્રત્યેની દયા, કરુણા અને આહિંસાની ભાવનાને સમાજમાં
વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. નીતાબેન ગાલા, રસીલાબેન મહેતા,
મમતાબેન મહેતા, ચેતનાબેન બાબરિયા, હેતલબેન પારેખે જહેમત ઉઠાવી હતી. ચિંતન ખંડોર સહયોગી રહ્યા હતા. સુરેન્દ્રનગર
ખાતે આ અભિયાન યોજાશે તેવું યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.