વવાર (તા. મુંદરા), તા. 3 (માણેક ગઢવી
દ્વારા) : મુંદરા તાલુકામાં સીમાડે ઘાસચારા તેમજ પાણીની તંગીથી મુશ્કેલીઓ વધી રહી છે.
માલધારીઓના સીમાડે હવે ઘાસનું તણખલું પણ મુશ્કેલ છે તેમાંય આ આકરા તાપ દાઝ્યા પર ડામ
જેવો તાલ છે. મુંદરા તાલુકાના યુવા માલધારી
સોમલભાઈ રબારી કહે છે કે, સીમાડે ઘાસ
અને પાણી મુશ્કેલ છે. માલ-ઢોરને પાણી માત્ર અવાડા પર જ મળે છે. સીમાડે હવે આ આકરા તાપમાં
પાણી સૂકાઈ ગયાં છે. વધુમાં તેઓ કહે છે કે, ખોળ-ભૂસાનો ભાવ આસમાનને
આંબી રહ્યો છે. માલ-ઢોરમાં દૂધ પણ ઘટી ગયું છે. આ આકરા તાપમાં સીમાડે મીઠી ઝાડીઓની
કપાતથી જીવોને બેસવા માટે જગ્યા પણ નથી રહી. અબોલ જીવોની દયનીય સ્થિતિ અને દિવસે-દિવસે
સીમાડાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. મીઠી ઝાડી બચાવવા જવાબદાર તંત્ર જાગૃત થાય તેવી
આશા વ્યક્ત કરી હતી. પાવડિયારા ગામના ક્ષત્રિય અગ્રણી દશરથસિંહ કાંથળજી જાડેજાએ પણ
પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સીમાડે વૃક્ષો મશીનોથી લોકો કાપી રહ્યા
છે, ત્યારે તંત્રને જાગૃત થવું જરૂરી છે. ઘેટાં-બકરાંઓ ગાંડા
બાવળોની ફળીઓ આરોગતાં, પણ હવે ગાંડા બાવળો પણ મશીનોથી કપાઈ ગયા.
આ આકરા ઉનાળામાં ઘાસચારાની તંગી, પાણીની તંગી, પશુઓ નબળા પડી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ, ઈન્ડસ્ટ્રીઝો,
ગામડાંમાં થતા ધાર્મિક તહેવારોમાંથી ભેગી થતી રકમમાંથી લીલો ઘાસચારો
મળતો હોય છે, પણ આ ચારપગાઓની ભૂખ-તરસ તો લીલો સીમાડો જ ભાંગે
તેવું ઉમેર્યું હતું. વવારના યુવા માલધારી વી.કે. ભલાએ કહ્યું હતું કે, હવે અમારી નજર તો આકાશ પર મંડાઈ ગઈ છે. સીમાડે
ક્યાંક થોડા બચેલાં પાણી માટે માલ-ઢોરને પાણી પીવડાવવા ત્યાં લઈ જવું પડે છે. આ આકરા
તાપમાં ભૂખ અને તરસથી માલ-ઢોર બિચારા ચારપગા ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વધુમાં
તેમણે જણાવ્યું હતું કે, આ આકરા તાપને કારણે વન્યજીવોની હાલત
પણ અત્યંત ભયજનક છે. નીલગાય, શિયાળ, જંગલી
બીલાડીઓ પાણી પીવા માટે અવાડા પર પણ ક્યાંક જોવા મળી જાય છે. વરસાદ ન લંબાય તેવી આશા
વ્યક્ત કરાઈ હતી. સીમાડે મીઠી ઝાડીનો સોથ ન વળે એ માટે જવાબદાર તંત્ર જાગૃત થાય તો
આ આકરા તાપમાં અબોલ જીવોને છાંયડો મળે તેવી માંગ ઊઠી હતી.