નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : લગભગ ચાર
સદી જૂની કચ્છની ખ્યાતનામ રોગાન કલા ગૌરવશાળી પદ્મશ્રી સહિત અનેક બહુમાન મેળવી ચૂકી
છે. ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 2026ના પ્રકાશિત
કરેલ રંગીન કેલેન્ડરમાં કચ્છી રોગાન કલાને પણ વિશિષ્ટ સ્થાન આપી કદર કરવામાં આવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લોકપ્રિય સૂત્ર હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશીને સાર્થક કરવાં આ કેલેન્ડમાં
મુખ્યત્વે સ્વદેશી વસ્તુઓ સાથે સંકળાયેલ તસવીરોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરમાં `આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ' તેમજ `સ્થાનિક માટે સ્વર' થીમ છે. જે રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ અને સાંસ્કૃતિક
વારસાને દર્શાવે છે. વાર્ષિક કેલેન્ડરના પ્રત્યેક માસના રંગીન પૃષ્ઠ પર રાજ્યના વિશ્વ
પ્રસિદ્ધ અલગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ, સહકારથી સમૃદ્ધિ અને શ્વેતક્રાંતિ
દ્વારા આત્મનિર્ભરતા, દેશનું ઓટો મોબાઇલ હબ, વિકાસવૃદ્ધિમાં બંદરોનું સ્થાન, રંગ-રસાયણ ક્ષેત્રે રાજ્યની
પ્રગતિ, વૈશ્વિક શાન સમાન ફાર્માઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ, સેમિકન્ડક્ટર,
ટેક્સટાઇલ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, કૃષિ સમૃદ્ધિ, હીરા ઉદ્યોગની ગૌરવપ્રદ તસવીરો ઉપરાંત
વિશ્વ વિખ્યાત કચ્છી રોગાન કલા, પાટણની પરંપરાગત વૈશ્વિક ઓળખ-પટોળા,
પરંપરાગત પિઠોરા ચિત્રકળા, બાંધણી ઉદ્યોગ,
માટીકામ, મેટલ-આર્ટ વર્ક, સંખેડાના ફર્નિચર ઉદ્યોગ તેમજ ગરવી ગુર્જરીના કલા વારસાને સંલગ્ન આબેહૂબ તસવીરોથી
આ કેલેન્ડરને સજાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ કેલેન્ડરમાં કચ્છની રોગાનકલાને
મળેલ સ્થાન પાવરપટ્ટીના નિરોણા ગામ અને કલા સાથે સંકળાયેલ ખત્રી પરિવાર માટે ગૌરવની
બાબત છે. કારણ કે, સત્તાવાર સરકારી કેલેન્ડરના પૃષ્ઠ પર કચ્છની
દુર્લભ અને સદીઓ જૂની રોગાનકલા પરંપરાને સુંદર રીતે દર્શાવવામાં આવેલ છે. જેનું પ્રતિનિધિત્વ
પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી દ્વારા કરવામાં આવે છે. જેને લઇ આ કસબી આનંદની લાગણી વ્યક્ત
કરતાં જણાવે છે કે, આ સદીઓ જૂના વારસાને જીવંત રાખનાર પેઢીઓનું
સન્માન છે. તેવું કહી રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરે છે.