ભુજ, તા. 3 : આઠમા ધોરણ પછી ઘરઆંગણે સુવિધા
નહીં હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોવાની સમસ્યા ચિંતાજનક હોવાની ચર્ચા વચ્ચે
ગુજરાત સરકારે બુધવારે વધુ ચાર માધ્યમિક શાળા કચ્છને આપી હતી. આ ચારેય શાળા ગામડાંઓમાં
જ મંજૂર કરાઈ છે. કચ્છ સહિત રાજ્યમાં આજે કુલ્લ 11 શાળાને મંજૂરી અપાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે ભુજ તાલુકાના
બાઉખા, સુમરાસર જત, ભચાઉ તાલુકાના
ધોળાવીરા તેમજ અબડાસા તાલુકાના કાળા તળાવમાં સરકારી માધ્યમિક શાળાઓ આપી હતી. એપ્રિલ
મહિનામાં ત્રણ, બે દિવસ પહેલાં ચાર અને આજે ચાર મળીને એક મહિનાથી
ઓછા સમયમાં કચ્છને કુલ 11 શાળા મળી
છે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું. આવનારા ટૂંક સમયમાં રાજ્યભરમાં
200માંથી કચ્છને વધુ 38 શાળા અપાશે. આમ, એક જ વર્ષમાં છેવાડાના પ્રદેશના શિક્ષણની ચિંતા
કરતાં સરકાર કુલ્લ 49 સરકારી માધ્યમિક
શાળઓ મંજૂર કરશે. એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં શાળાઓ મંજૂર કરાઈ હોય તેવું 20 વર્ષમાં પહેલીવાર બન્યું છે.
અત્યાર સુધી મંજૂર થઈ ચૂકેલી તમામ 11 શાળા ચાલુ શિક્ષણ સત્રથી જ ધમધમતી થઈ જશે. એપ્રિલમાં ભચાઉ તાલુકાના
બંધડી, ચીરઈ, રાપરના આણંદસરમાં,
બે દિવસ પહેલાં ભચાઉ તાલુકાના શિવલખા, મુંદરા શહેર,
માંડવી શહેર (વિજ્ઞાન પ્રવાહ) અને ગાંધીધામ શહેરમાં શાળાઓ અપાઈ હતી.
દરમ્યાન, ઘણા વર્ષની મહેનત અને રજૂઆતના સાનુકૂળ પડઘારૂપે ખાસ
કેસમાં માધ્યમિક શાળા મંજૂર કરવા બદલ ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ
જાડેજા તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.