ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ
વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના આઠ નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.
આ ઉપરાંત ઉનાળાની સિઝન હોવાથી દુકાનો અને લારીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે અને અખાદ્ય
સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારોમાંથી ઘીના બે, ગાયનું દૂધ તથા ભેંસનું દૂધ, કેરીનો રસ, દહીં, તેલ અને લોટ સહિત
કુલ આઠ નમૂના લીધા હતા તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે,
તા. 1 એપ્રિલથી
લઈને 31 મે દરમિયાન બે મહિનામાં અલગ
અલગ ખાદ્ય પદાર્થોના કુલ 27 નમૂના લઈ
તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દીધા છે, પરંતુ હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી. ગત વર્ષે તંત્ર દ્વારા 100થી વધુ નમુના લેવામાં આવ્યા
હતા તે પૈકી લગભગ 40ની આસપાસ
નમૂનાનો રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી અને જેના રિપોર્ટ આવ્યા હતા, તેમાં ચાર નમૂના ફેલ આવ્યા હતા. તેમની સામે
કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ નમૂના લીધા
પછી રિપોર્ટ ઝડપથી આવતા નથી, જેના કારણે જલ્દીથી કાર્યવાહી પણ
થઈ શકતી નથી. અહીં મહાનગરપાલિકા વિસ્તારમાં ખાદ્ય પદાર્થના ચાકિંગ માટેની લેબોરેટરી
આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા
આ દિશામાં કોઈ પગલાં ભરાયાં નથી. મહાનગરપાલિકા ખુદ તેમાં આગળ વધે તેવી માંગ પણ ઊઠી છે. ગાંધીધામ
આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય પદાર્થો તેમજ ખાદ્ય પદાર્થો
માં ભેળસેળ કરીને વેચાવતા હોવાની ફરિયાદો ઊઠે છે,
ત્યારપછી તપાસ પણ કરવામાં આવે છે ,પરંતુ ફૂડ વિભાગમાં
સ્ટાફની ઘટના કારણે નિયમિત કાર્યવાહી અને કામગીરી થઈ શકતી નથી. તેના કારણે લોકોનાં
સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ રહે છે. - દુકાનો-લારીઓની તપાસ કરાઈ : ફૂડ વિભાગ
દ્વારા નમૂના લેવાની સાથે સાથે નાસ્તાઓની લારીઓ તેમજ લીલાશાહ સર્કલ તથા ગુરુકુળ વિસ્તારમાં
દુકાનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આદિપુરમાં રેંકડીઓની પણ તપાસ કરવામાં આવી
હતી અને તમામને સ્વચ્છતા જાળવવા માટેની સૂચનાઓ પણ અપાઈ હતી. અને જો કોઈ બેદરકારી દાખવશે, તો તેમની સામે પગલાં ભરવાની પણ ચેતવણી અધિકારીઓ
દ્વારા અપાઈ હતી.