• ગુરુવાર, 04 જૂન, 2026

કુવૈતમાં ઈરાનનો હુમલો : ભારતીયનું મોત

નવી દિલ્હી, તા. 3 : પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. અમેરિકાએ હોર્મુઝની ખાડી પાસેના વ્યૂહાત્મક કેશમ ટાપુ પર હુમલો કર્યો હતો, તો ઈરાને કુવૈત અને બહેરીનમાં હુમલા કર્યા હતા. ઈરાન દ્વારા કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મોટો હુમલો થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-1ને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને 63 લોકોને ઈજા પહોંચી હતી. હજી પણ ઘણા લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી જાણકારી અનુસાર ઘણા લોકોને માથા અને શરીરના અન્ય ભાગમાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ સ્થળ ઉપર 25 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને ઘાયલોને તાકીદે હોસ્પિટલે પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. હુમલાથી એરપોર્ટના ટર્મિનલ-1ને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલા બાદ સાવધાનીના ભાગરૂપે થોડા સમય માટે એરપોર્ટ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.  આ બનાવ પહેલા અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે, ઈરાને કુવૈતમાં રહેલા અમેરિકી સૈનિકો ઉપર ફરીથી ડ્રોન હુમલા કર્યા હતા. જો કે, તમામ હુમલા નાકામ કરવામાં આવ્યા હતા. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર કુવૈતના રક્ષા મંત્રાલય તરફથી પણ હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી. મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સઉદ અબ્દુલ અજીજ અલ ઓતૈબીએ હુમલાને ઈરાનની અપરાધિક આક્રમકતા ગણાવી હતી અને કહ્યું હતું કે, એરપોર્ટ પરિસરને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઈરાને બહેરીનમાં પણ મિસાઈલ હુમલા કર્યા હતા. 

Panchang

dd