• શુક્રવાર, 05 જૂન, 2026

અંજારના વિવિધ વિસ્તારમાં પેયજળનો કકળાટ

અંજાર, તા. 3 : ઉનાળાની ગરમી વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં  યોગ્ય અને ગુણવત્તાસભર પીવાનું પાણી ન અપાતું હોવાની  ફરિયાદો ઊઠી છે. આ ઉપરાંત  ટેન્કર પાણી વિતરણ  વ્યવસ્થામાં ગેરરિતીના આક્ષેપો ઉઠયા હતા. પેયજળ જેવી પાયાની સુવિધા  આપવામાં પાલિકા નિષ્ફળ નીવડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ઐતિહાસિક અંજારના  વિવિધ રહેણાક વિસ્તારોમાં  પાલિકા દ્વારા પુરતાં પ્રમાણમાં પાણી  અપતાં નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાના નળ વાટે લાંબા સમયથી ગટર મિશ્રિત દૂષિત પાણી વિતરણ થતું હોવાની રાવ   લોકોએ કરી હતી તેમજ  દર વર્ષે  લોકોનાં મુખે પુરતાં દબાણ સાથે પાણી ન અપાતાની ફરિયાદ   આ ઉનાળામાં સાંભળવામાં મળી હતી. અનેક વિસ્તારોમાં પાલિકા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડતાં ટેન્કર  મારફતે પેયજળ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વખત પાણીનાં ટેન્કર મોકલવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને  રાજકીય અગ્રણીઓને ફોન રણકવાના શરૂ થયા છે, તો આવેલી વર્ધીને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણમાં શંસાધનોનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. ટેન્કર  વિતરણ માટે કોઈ પરિણામલક્ષી વ્યવસ્થા ન હોવાના લીધે વગદારો ભારપૂર્વક પોતાનું કામ કરાવી જતા હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો છે. નોંધપાત્ર છે કે, પાલિકાના ટેન્કર વિતરણ વ્યસ્થાના બોર ઉપર કર્મચારીઓ હાજર ન હોવાના કારણે ગઈકાલે આ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી.આ પ્રકારનો બનાવ પ્રથમ વખત બન્યો હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. આ અંગે વિરોધપક્ષના રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શહેરના મુક્તિધામમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણી વિતરણ કરવામાં આવી છે. હજુ સુધી  પાલિકા સમસ્યાના અંત સુધી પહોંચી શકી નથી તેમજ  એકતાનગર, ગંગોત્રી, કુશલનગર સહિતના વિસ્તારો પણ  ગટર મિશ્રિત પાણીની સમસ્યાથી પીડાય છે, પાણી વિતરણ વ્યવસ્થા ખાડે ગઈ છે, નલ સે જલ યોજના પ્રકલ્પમાં મોટા  ગેરરિતીના આક્ષેપો ખુદ ગત ટર્મે સત્તાપક્ષે કર્યા હતા. માતબર રકમના ખર્ચ બાદ નાગરિકો પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાઈ નથી. દરમ્યાન પાલિકાના મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયાનો સંપર્ક કરતા તેમણે કહ્યંy હતું કે, ઉનાળાના કારણે પેયજળની સમસ્યા ઊભી થઈ છે.  16 એમએલડી પાણીની જરૂરિયાત સામે વધારાનું સાત એમએલડી પાણી આપવા માટે પાણી પુરવઠા સમક્ષ રજૂઆત કરાશે. પાણી પહોંચાડવા માટે વધારાના ચાર ટેન્કર ખરીદી માટે આગામી  દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લીકેજ ટેન્કરનું સમારકામ પણ હાથ ધરાયું છે. નલ સે જલ  અને અમૃત પ્રકલ્પ પૂર્ણ થયા બાદ મોટાભાગની પાણી સમસ્યા ઉકેલાશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.  

Panchang

dd