• ગુરુવાર, 04 જૂન, 2026

કચ્છમાં પાઇપલાઇન વાટે ગેસ વિતરણને વિસ્તારવું પડકારજનક

ભુજ, તા. 3 : અમેરિકા-ઇરાક યુદ્ધનાં પગલે ભારતમાં પણ ડીઝલ-એલપીજીનું સંકટ સર્જાયું હતું. આ સંકટનાં પગલે પાઇપલાઇન વાટે ગેસ વિતરણના વિસ્તાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે, કચ્છમાં પાઇપલાઇન મારફત ગેસ વિતરણના વિસ્તારમાં લાંબો સમય નીકળી જશે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. જેઓ એલપીજી અને પીએનજી એમ બંને જોડાણ ધરાવે છે તેમને એલપીજી જોડાણ રદ કરી દેવા તાકીદ કરાઇ હતી. કચ્છમાં આ બાબતને લઇ ઉદાસીનતા જોવા મળી રહી હોય તેમ 18 હજારથી વધુ પીએનજી જોડાણધારકોમાંથી ગણ્યાગાંઠયા લોકોએ પોતાના એલપીજી જોડાણ પાછા આપ્યા છે. - કચ્છમાં સીમિત વિસ્તારમાં જ નેટવર્ક : કચ્છની હાલની સ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં પાઇપલાઇન મારફત ગેસ વિતરણનું નેટવર્ક ઘણું જ મર્યાદિત છે. ભુજ, માધાપર તેમજ મુંદરાના કેટલાક વિસ્તારમાં હાલ પાઇપલાઇન વાટે ગેસ વિતરણ થઇ રહ્યું છે. આગામી સમયમાં બંદરીય માંડવી શહેરને પણ પાઇપલાઇન મારફત ગેસ જોડાણ સાથે જોડવાની કવાયત આરંભવામાં આવી છે. આ માટેની જરૂરી  વહીવટી પ્રક્રિયાઓને આગળ ધપાવવામાં આવી છે. - 1.66 લાખ ઘરને જોડવાનું કામ કપરું : આગામી સમયમાં કચ્છના 1.66 લાખ ઘરોને પાઇપલાઇન મારફત ગેસ વિતરણ નેટવર્કથી જોડવાનું આયોજન તો છે પણ આ કાર્ય સહેલું નથી, ઘણું કપરું છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ કવાયત ચાલી રહી છે પણ હજુ સુધી જે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે તેના ચોથા ભાગના ઘરોને પાઇપલાઇન ગેસ વિતરણના નેટવર્કથી જોડી શકાયાં નથી એ હાલના સમયની કડવી વાસ્તવિકતા છે. - પીએનજી ગેસ ઘણેઅંશે છે લાભકારી : પાઇપલાઇન મારફત ગેસ વિતરણ શરૂ થવું ઘણા જ અંશે લાભકારી છે. પીએનજીનાં કારણે ગ્રાહકોનો સરેરાશ ખર્ચ 20થી 25 ટકા ઘટયો છે. ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની સાપેક્ષમાં સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળો ગેસ લોકોને મળી રહ્યો છે. પાઇપલાઇનથી ગેસ વિતરણ શરૂ થયા બાદ ભુજ-માધાપરમાં 16 હજારથી વધુ એલપીજી જોડાણધારકો ઘટી ગયા છે. હજુ આ આંકડો વધે તેવી ધારણા છે. 

Panchang

dd