• શુક્રવાર, 05 જૂન, 2026

ગુનાહિત પ્રવૃત્તિનાં કેન્દ્ર નાના વરનોરાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો

ભુજ, તા. 3 : નાની-મોટી અનેક ગુનાહિત પ્રવૃત્તિનાં કેન્દ્ર નાના વરનોરાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને કચ્છભરમાં કાયમ માટે શાંતિ સ્થાપિત થાય તેવી રજૂઆત સાથેનું આવેદનપત્ર આજે સમસ્ત હિન્દુ સમાજે કલેક્ટરને આપ્યું હતું. રાયધણપરના હિંસક બનાવને વખોડી આ ઘટનાના પકડવાના બાકી આરોપીઓને ઝડપવા માંગ કરી છે. નાના વરનોરાના તોફાની ટોળાં દ્વારા તા. 29/5ની રાત્રે ભુજ તાલુકાના રાયધણપર ખાતે ગ્રામજનો ઉપર થયેલા હિંસક હુમલાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર કચ્છમાં પડયા છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજના બેનર હેઠળ બુધવારે એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળ્યું હતું અને નાના વરનોરાના કેટલાક શખ્સો દ્વારા થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા અને આ હુમલા પ્રકરણના મુખ્ય સૂત્રધારોના ભૂતકાળના ગુનાહિત પ્રકરણો ધ્યાને લઇ પાસા સહિતની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાયધણપર ગામ ઉપર થયેલા આ હિંસક હુમલા વખતે પોલીસ દ્વારા તાત્કાલિક ધસી જઇ લોકોના જાનમાલનું પોલીસે રક્ષણ કરેલું તેની નોંધ લઇ આ આવેદનપત્રમાં રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવેલ માંગ અનુસાર હુમલાની ઘટનામાં જે મુખ્ય સૂત્રધાર આરોપીઓ છે તેઓ ભૂતકાળમાં અનેક ગંભીર ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલા છે અને અનેક અસામાજિક - કાયદા વિરોધી પ્રવૃત્તિમાં પૂર્ણ રીતે સંડોવાયેલા છે.આવા તમામ આરોપીઓ વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી થાય તેવી માંગ ઉપરાંત નાના વરનોરાના કેટલાય લોકો ઉપર ગૌહત્યા, ગૌમાંસ વેચાણ, ગૌમાંસની હેરફેર, વન્યજીવના શિકાર, ખેડૂતોની વાડીમાં કેબલ ચોરી, ડીઝલ ચોરી, લૂંટ-ખંડણી, ખનિજચોરીના કાયદેસરના પોલીસ કેસ નોંધાયેલા છે. આ વિસ્તારમાં કાયદા વિરોધી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા આવાં તમામ તત્ત્વો ઉપર ફરીથી કડક પોલીસ કાર્યવાહીની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. બીજી તરફ નાના વરનોરા ગામતળ અને સીમતળમાં ગામના માથાભારે તત્ત્વોએ રહેણાક મકાનો, વાડા તથા ગેરકાયદેસર દુકાનો ઊભી કરી સરકારી જમીનો દબાવી લીધી છે. જે તાત્કાલિક અસરથી દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવા વિનંતી કરવામાં આવી છે. નાના વરનોરા ગામના અમુક માથાભારે અસામાજિક તત્ત્વોએ ગેરકાયદે વીજ જોડાણ મેળવી આજ સુધી ક્યારેય સરકારી વીજ બીલ ભર્યાં નથી અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે, તેવા તત્ત્વોને અલગ તારવીને અલગથી કાયદેસરની કાર્યવાહી થાય તે ઉપરાંત રાયધણપર ઉપર હુમલાની હિંસક ઘટનાના મુખ્ય આરોપી સૂત્રધાર હજુ સુધી પકડાયા નથી ત્યારે આ આરોપીને આશ્રય આપનાર - મદદગારી કરનાર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ તેવી માગણી  કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાયધણપર વિસ્તારમાં કાયમી પોલીસચોકી ઊભી કરવા અને નાના વરનોરાના અમુક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ઉપર પાસાની કાર્યવાહી પેન્ડિંગ છે તેવા તમામ તત્ત્વોની પાસા હેઠળ  ધરપકડ કરવામાં આવે તેવી મુખ્ય માંગો કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ  સંડોવાયેલા તમામ તત્ત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થશે તેવી પ્રતિક્રિયા આપી હતી. 

Panchang

dd