મુંદરા, તા. 11 : મુંદરા શહેર અને તાલુકાના કેટલાક રસ્તાની બગડતી સ્થિતિ
વચ્ચે તંત્ર દ્વારા ચોમાસાં પહેલાં કામ આટોપવાની
તૈયારી બતાવવામાં આવી છે. ખાસ કરીને બારોઇ પંચાયતથી પાવાપુરી ચાર રસ્તાની બગડતી સ્થિતિના
સવાલ પર આર એન્ડ બી - પંચાયતનાં સૂત્રો કહે
છે કે, 1.80 કરોડના
ખર્ચે નવો બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. તાંત્રિક મંજૂરી મળ્યા બાદ તુરંત ટેન્ડરિંગ
હાથ ધરાશે. બીજીબાજુ પત્રીથી બરાયા રોડના રિસર્ફાસિંગ માટેય 4.96 કરોડ મંજૂર કરાયા છે. કચ્છમિત્ર મુંદરા બ્યૂરોએ પંચાયત
કચેરીનો સંપર્ક સાધતાં સત્તાવાર સૂત્રોએ વધુમાં માહિતી આપી હતી કે, વારંવાર પાણી ભરાવાના કારણે બારોઇ-પાવાપુરી
રોડ તદ્દન ખરાબ થયો, પરંતુ હવે આરસીસી રોડ બનશે. આ સિવાય ગુંદાલાથી
ભલોટ માર્ગને તાંત્રિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડારિંગ પ્રક્રિયા ચાલી રહી છે. જે રૂા.
15 કરોડના ખર્ચે બનશે. તેઓ ઉમેરે છે કે, વાઘુરાથી ચાંદ્રોડાના માર્ગનાં રિસર્ફાસિંગ
માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જ્યારે કારાઘોઘાથી ભુજપુર
સુધીના જર્જરિત માર્ગ વિશેના સવાલ પર તેમણે કહ્યું કે, એની દરખાસ્ત
કરાઈ છે. સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોવાય છે. જો કે, પત્રી-ફાચરિયા
રોડ માટે રૂા. 7.5 કરોડની રકમની સૈદ્ધાંતિક
મંજૂરી મળી ગઈ છે. બીજીતરફ સૂત્રોએ ઉમેર્યું
હતું કે, તાલુકાના પત્રીથી બરાયા માર્ગના કામને
પણ મંજૂરી મળી ગઈ છે. આ માટે 4.96 કરોડ જેટલી માતબર રકમને ટેકનિકલ મંજૂરી સરકારે આપી
દીધી છે અને એ હવે ટેન્ડારિંગ પ્રક્રિયા તળે છે. આ માર્ગ છેલ્લે રિસર્ફાસિંગ કરાયાને
લગભગ સાત વર્ષનો સમય નીકળી ચૂક્યો છે. ભવિષ્યમાં આ માર્ગ ભુજ- મુંદરા માર્ગના એક મજબૂત
વિકલ્પ તરીકે ઊભરી શકે એમ છે. જો કે,
પહોળો કરવા માટે પંચાયત હસ્તકના બદલે રાજ્ય માર્ગ મકાન ખાતાને તબદીલ
કરવો પડે એમ છે. નોંધનીય છે કે, મુંદરાના બારોઈથી પાવાપુરી ચોકડી
સુધીના માર્ગ પર 30 સોસાયટીના લોકોની
અવર-જવર છે. મોટાભાગે ભારે વાહન પર પસાર થાય છે, તેથી રસ્તાની અત્યારે ખૂબ દયનીય હાલત છે અને લોકો ઝડપી કાર્યવાહીની
માગણી કરી રહ્યા છે.