હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 11 : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલતાં યુદ્ધે વિશ્વની આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખી છે, જેમાં ખાસ કરીને ક્રૂડઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે દેશના અર્થતંત્ર પર ગંભીર અસર થવાની સંભાવનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે હૈદરાબાદ ખાતે દેશવાસીઓને વર્તમાન સમયમાં પેટ્રો ઉત્પાદનોનો સંયમ સાથે ઉપયોગ કરવા સાથે જ કોરોનાકાળની જેમ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન બેઠકો જેવી વ્યવસ્થા અમલી બનાવી હતી તેવી જ રીતે કામ કરવા, વિદેશ પ્રવાસો ટાળવા તેમજ એક વર્ષ સુધી નવા સોનાની ખરીદી નહીં કરવા કરેલી અપીલ અંતર્ગત કચ્છમિત્રએ વિવિધ ક્ષેત્રના લોકોનો સંપર્ક કરતાં લોકોએ શ્રી મોદીના વિચારોને સમર્થનમાં આપી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા રહેણીકરણી સુધારવા પર ભાર મૂક્યો હતો.
દેખાદેખીમાં સોનું ખરીદતા હોય છે, જે ટાળવું જોઈએ
ભુજના શિક્ષિકા રૂપલબેન ઠક્કરે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અપીલને યોગ્ય ગણાવતાં જણાવ્યું હતું કે,
દેશવાસીઓએ ઓછામાં ઓછું એક વર્ષ સુધી સોનાની જ્વેલરીની ખરીદી ટાળવી જોઈએ, આજે જરૂર
ન હોય તો પણ કેટલાક લોકો દેખાદેખીમાં સોનું ખરીદતા હોય છે, ત્યારે
દેશવાસીઓએ વડાપ્રધાનની અપીલને માન્ય રાખવી જોઈએ. ભારત આજે તેની જરૂરિયાતનું મોટાભાગનું
સોનું વિદેશથી આયાત કરે છે, જેના માટે દેશને ડોલરમાં ચૂકવણી કરવી
પડે છે અને તેનું દબાણ વિદેશી હુંડિયામણ પર પડે છે, તેથી જો ડોલરની
માંગ ઘટશે, તો આપોઆપ ભારતીય રૂપિયો મજબૂત થશે.
સંતાનો દ્વારા વાહનોનો વધુ પડતો થતો ઉપયોગ
શહેરના ગૃહિણી એવા રશ્મિબેન મહેતાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતમાં ખાનગી વાહનોનો વધુ
પડતો અને તેમાંયે સંતાનો દ્વારા વાહનોનો ખૂબ જ ઉપયોગ થાય છે, ત્યારે વાલીઓએ સંતાનોને સમજાવવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આપણો રૂપિયો નબળો પડતાં સોનાની આયાત મોંઘી થતી જાય છે, જેની સીધી અસર દેશના વિદેશી હુંડિયામણ પર પડી રહી છે, ત્યારે વડાપ્રધાનનો નવું સોનું નહીં ખરીદવાનો અનુરોધ યોગ્ય જ છે.
ફ્લાઈટ ટિકિટો મોંઘી થતાં વિદેશ પ્રવાસોમાં ઘટાડો
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલતાં યુદ્ધના કારણે ઈંધણના ભાવો
ભડકે બળતાં તેની અસર તમામ ક્ષેત્ર પર પડી રહી છે, વર્તમાન સમયમાં ઈંધણના ભાવોના કારણે વિમાની પ્રવાસની ટિકિટો
મોંઘી થતાં પ્રવાસીઓની સંખ્યામાં આમેય 10થી
15 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું ગાંધીધામના ટૂર ઓપરેટર
હિતેશભાઈ મોરબિયાએ જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનની વિદેશી ટૂર ટાળવાની અપીલને યોગ્ય
ગણાવી દેશના અર્થતંત્રને મજબૂત કરવા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા હાકલ કરી હતી, કેમ કે, જેટલી
સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધુ થશે તેમ ભારતીય રૂપિયો મજબૂત થશે.
સસ્તાં પેકેજોનાં કારણે વિદેશ ટૂરમાં નોંધપાત્ર બુકિંગ
વડાપ્રધાન દ્વારા હજુ ગઈકાલે જ અપીલ કરાઈ છે, તે પહેલાં જ વિદેશ પ્રવાસની બુકિંગ
મોટી સંખ્યામાં થઈ છે, તેથી હવે પછીની બુકિંગમાં તેની અસર પડી
શકે તેવું બાલાજી ટૂરના સંચાલક સંજયભાઈ ગઢવીએ
જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના પ્રવાસો કરતાં વિદેશના સસ્તાં
પેકેજોનાં કારણે ભારતીય લોકો ખાસ કરીને કચ્છ અને ગુજરાતના લોકો ઉનાળુ વેકેશનના કારણે
મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યારે વર્તમાન સમયમાં વડાપ્રધાન
દ્વારા કયાં કારણોસર વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી છે તેની સ્પષ્ટતા ન કરી હોવાથી
લોકો અવઢવમાં મુકાયા છે.
શોખ ખાતર કે રોકાણ માટે થતી ખરીદી ટાળી શકાય
વિદેશથી આયાત થતાં સોના પાછળ દેશનાં વિદેશી હુંડિયામણનો
ઉપયોગ કરવો પડે છે, વડાપ્રધાન દ્વારા નવું સોનું ન ખરીદવાની અપીલ આમ તો સોનું વિદેશી હુંડિયામણને
બચાવવાની છે, તેથી ખરેખર તો મોટા-મોટા રોકાણકારો અને ખાસ શોખ
ખાતર ખરીદી કરતા લોકોએ સોનું ખરીદવા પર અંકુશ લગાવી સરકારની લાગણીને માન આપવું જોઈએ,
તેવું ભુજની સોની જટુભાઈ વેલજી પેઢીના ચંદ્રકાંતભાઈ ચનાણીએ જણાવ્યું
હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાને ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં
રાખીને અપીલ કરી છે, ત્યારે દેશના દરેક નાગરિકની ફરજ છે કે,
તેને માન આપે. શ્રી મોદીએ સાવ ખરીદી બંધ કરવાનું કહ્યું, તેથી વેપારીઓએ પણ ચિંતિત થવાનું કોઈ કારણ નથી.
પ્રસંગોપાત તો ખરીદી કરવી જ પડે
વૈશ્વિક વર્તમાન સમયમાં સોના સિવાય અન્ય કોઈ સેફ રોકાણ
ન હોવાથી સોનાની ખરીદીમાં ઉછાળો આવ્યો છે જેને અટકાવવું અઘરું છે, પરંતુ શુભ પ્રસંગોપાત સોનાની ખરીદી
જરૂરી છે, તેમ છતાં વડાપ્રધાનની અપીલને માન આપવું જોઈએ,
તેવું ભુજના કિશોરભાઈ સોનીએ જણાવ્યું હતું.