ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલીસ
ટીમે સાહસભેર પશ્ચિમ બંગાળના બાંગલાદેશની સરહદ નજીકના જોખમી વિસ્તારમાંથી અપહ્યત સગીરાને
છોડાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંજાર તાલુકાના અજાપરમાં આવેલા બાલાજી
નામના બેન્સામાંથી એક મહિના પૂર્વે 13 વર્ષીય
સગીરા ગૂમ થઈ હતી. અજાણ્યા આરોપીએ સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હોવાના મુદ્દે
અંજાર પોલીસ મથકે ગત તા. 24/4ના વિધિવત રીતે
ગુનો નોંધાયો હતો. પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને આ ગુનાનું પગેરું મેળવવા તપાસ હાથ
ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્મુમન રિસોર્સના આધારે ગૂમ થયેલી કિશોરીને આરોપી હનીફ હફીજુલ સરકાર લઈ ગયો હોવાનું
સપાટી ઉપર આવ્યું હતું. આરોપી અને ગૂમ થયેલી કિશોરી પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર
જિલ્લામાં કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મેનાપુર ગામમાં હોવાની બાતમી આધારે પૂર્વ
કચ્છ પોલીસ ટીમ સ્થાનિક પોલીસના સહકારથી ત્યાં પહોંચી હતી. માહિતગારોએ ઉમેર્યું હતું
કે, પોલીસ ગામમાં પહોંચતાની સાથે એ જ સમુદાયના
લોકો પોલીસને ઘેરી વળ્યા હતા. અલબત્ત પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી કિશોરીને તહોમતદારના
કબજામાંથી મુક્ત કરાવી હતી. પશ્ચિમ બંગાળમાં સાથે ગયેલા કિશોરીના વાલી પણ એક તબક્કે
ગૂમ થયેલી સગીરાને ઓળખવામાં મુશ્કેલીમાં મુકાયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના
મતગણતરીના દિવસે ગત તા. 4/5ના પોલીસ પહોંચતાં
સગીરાનું બ્રેઈનવોશ કરાયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. ભારે મહેનતના અંતે આ કિશોરીને
પરત લાવવામાં આવી હતી, જ્યારે આ ગુનામાં સામેલ આરોપી નાસી છૂટયો હતો, જેને પકડવા
પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે, પશ્ચિમ
બંગાળનું મેનાપુર ગામ બાંગલાદેશની બોર્ડરથી 25થી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ કિશોરીને પરત લવાયા
બાદ પણ ચાઈલ્ડ વેલફેર કમિટી ભુજ દ્વારા સતત તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. ભોગ બનનારના
પિતા આંતરરાજ્યના હોવાથી પોલીસ દ્વારા આ શ્રમિક પરિવારજનોને પણ માર્ગદર્શન અપાયું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, અંજારના તત્કાલીન પી.આઈ. અજયસિંહ ગોહિલ
સહિતનાનું સન્માન કરી પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.