• ગુરુવાર, 19 માર્ચ, 2026

ડિરેક્ટરશિપ માત્ર પદ નથી, મોટી જવાબદારી છે : પ્રીતિ મહેતા

દેશના જાણીતા એડવોકેટ-સોલિસિટર પ્રીતિ મહેતા કોર્પોરેટ ક્ષેત્રનું ફક્ત જાણીતું નહીં, જાજરમાન નામ છે. 40 વર્ષના સુદીર્ઘ અનુભવજન્ય કાર્યકાળમાં તેમણે કંપની સંચાલનમાં અનેક નવા આયામો પ્રગટાવ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ બન્નેમાં પ્રેક્ટિસ કરવા માટે તેઓ લાયક છે. કાંગા એન્ડ કંપનીમાં તેઓ સિનિયર પાર્ટનર તરીકે પોતાના કૌશલ્ય અને અનુભવ થકી સક્રિય છે. કોર્પોરેટ અને કોમર્શિયલ લો, મર્જર અને એક્વિઝિશન (M&A)તથા પ્રાઈવેટ ઈક્વિટી સહિતની કાયદાકીય બાબતોના તેઓ તજજ્ઞ છે. ભારતના અગ્રપંક્તિના વકીલોમાં સ્થાન ધરાવતા પ્રીતિ મહેતા અનેક મોટી કંપનીઓમાં પોતાના કૌશલ્ય અને અનુભવ થકી કાર્યરત છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. રોટરી ક્લબ ઓફ બોમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે તેઓ નેતૃત્વની સાથે જોડે છે. પોતાની ભૂમિકાને "Service Above Self '' (સેવા પરમોધર્મ)ના દૃષ્ટિકોણથી જોવે છે. ગુડ ગવર્નન્સ, નૈતિક નિર્ણય લેવાની પ્રક્રિયા અને જવાબદાર સંસ્થાઓના નિર્માણમાં વ્યાવસાયિકોની બદલાતી ભૂમિકા ઉપર તેઓ સદા ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરમાં જ બોર્ડ સ્ટીવર્ડશિપ સામયિકે તેમની રસપ્રદ મુલાકાત લીધી હતી જેના અંશો અહીં પ્રસ્તુત છે. - ચાર દાયકાના સાતત્યપૂર્ણ અનુભવ બાદ કઈ એવી બાબત છે જે સતત તમને દોડતા રાખે છે ? : પ્રીતિ મહેતા: કંપનીઓને સાચો અને નૈતિક માર્ગ બતાવવો તે મારું લક્ષ્ય હોય છે તેમાંથી જ મને પ્રેરણા મળે છે. સ્વતંત્ર ડિરેક્ટર તરીકે  મારું કામ ફક્ત કાયદાનું પાલન કરાવવાનું નથી, પરંતુ કંપનીના હિતમાં બોર્ડરૂમમાં એક નિષ્પક્ષ અવાજ બનવાનું છે. જટિલ સમસ્યાઓના ઉકેલ લાલવા માટે અને વિશેષત: ભતિ (સામાજિક જવાબદારી)ના માધ્યમથી સમાજમાં પરિવર્તન લાવવાનો અવસર મળે તો તે બાબત મને હંમેશા ઉત્સાહિત રાખે છે. - ભારતીય કંપનીઓના વહીવટ (Governance) માંતમનેકઈ મુખ્ય ત્રુટિઓ જણાય છે ? : પ્રીતિ મહેતા: ત્રણ બાબતો મુખ્યત્વે ચિંતાજનક છે. પહેલું તો એ કે ઘણી કંપનીઓ ફક્ત ગવર્નન્સને ફક્ત એક ચેકલિસ્ટ માને છે પરંતુ તેનું આત્માતત્વ અલગ છે. કટોકટી સમયનું આયોજન (Crisis Management) અને ભવિષ્યના નેતૃત્વની તૈયારી (Succession Planning) માં હજુ આપણે પાછળ છીએ. ત્રીજું અને અગત્યનું, બોર્ડરુમમાં મેનેજમેન્ટની રચનાત્મક ટીકા કરવાની હિંમતનો આપણામાં અભાવ જોવા મળે છે. ડિરેક્ટર્સ બેધડક પ્રશ્ન પૂછતાં શીખે ત્યારે જ સાચો વહીવટ થયો ગણાય. પારદર્શકતા અનિવાર્ય છે. - એક મહિલા વકીલ તરીકે તમારા  માર્ગમાં આવેલા પડકાર કેવા હતા? : પ્રીતિ મહેતા: મેં જ્યારે કારકિર્દીમાં પગરણ કર્યાં ત્યારે, 40 વર્ષ પૂર્વે આ ક્ષેત્ર સંપૂર્ણ પુરુષપ્રધાન હતું. વકીલ તરીકે પણ હું નવી અને એમાં વળી મહિલા. મારે મારી કાર્યક્ષમતા, કૌશલ્ય અને વિશ્વસનીયતા પુરવાર કરવા માટે બમણી મહેનત કરવી પડતી. `સંપૂર્ણ તૈયારી' અને પ્રામાણિકતાને મેં મારો કાર્યમંત્ર બનાવ્યો. વિશ્વાસ રાતોરાત ન મળે, પરંતુ નૈતિકતા મજબુત હોય, દિશા નક્કી હોય તો સફળતા મળે જ. - કોર્પોરેટ જગતમાં નેતૃત્વ કરતી મહિલાઓ માટે તમારી શું સલાહ છે ? : પ્રીતિ મહેતા: સૌ પ્રથમ તો એ વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે ડિરેક્ટરનું પદ એ ફક્ત કોઈ પદવી નથી, તે ફક્ત કોઈ સ્ટેટસ નથી પરંતુ બહુ જ મોટી જવાબદારી છે. નિર્ણય લેવાની આપણી ક્ષમતા અને સતત શીખતા રહેવાની વૃત્તિ આપણને ટકાવી રાખશે. કોઈ એક વિષયમાં ગહન નિપૂણતા (Deep Expertise) મેળવવી જોઈએ સાથે જ કંપનીના સમગ્ર બિઝનેસ મોડેલને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ફક્ત તમારા જ વિષય પૂરતા મર્યાદિત નહીં રહો, વિશાળ દૃષ્ટિ રાખવી જોઈએ અને નવું જે જે આવે તે સ્વીકારવાની તૈયારી પણ.  - રોટરી ક્લબ જેવા સમાજિક સંગઠનો સાથે તમે જોડાયા તેને લીધે તમારા વ્યાવસાયિક જીવનમાં શું ઉમેરો થયો ? : પ્રીતિ મહેતા: રોટરીનો સિદ્ધાંત `સેવા પરમો ધર્મ' (Service Above Self) મને અંતરમાં વસી ગયો છે.  ત્યાં હું શીખી કે અલગ અલગ વિચારધારા ધરાવતા લોકોને પણ એકતાંતણે બાંધી સર્વસંમતિથી કામ કેવી રીતે લેવું ? કોઈ સંસ્થા હોય કે બિઝનેસ હાઉસ કે પછી સ્વૈચ્છિક સંસ્થા હોય તેના સંચાલનમાં માનવીય અભિગમ અને નીતિમત્તા હંમેશા આગળ અને અવિચળ હોવા જોઈએ. આ બન્ને તત્વો કોઈ પણ સંચાલન કે વહીવટના પ્રાણ છે.  

Panchang

dd