• ગુરુવાર, 19 માર્ચ, 2026

અંજારમાં રાજ્યની બીજા નંબરની 42મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 17 : સમગ્ર રાજ્યમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરતી કચ્છના ઐતિહાસિક શહેર અંજાર મતે યોજાતી રથયાત્રા આ વર્ષે 42મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 42 વર્ષ પહેલાં શહેરમાં સમગ્ર કચ્છમાં સૌપ્રથમ રામ જન્મોત્સવ નિમિત્તે હાથલારીમાં રામ ભગવાનની પ્રતિમા સાથે પ્રારંભ થયેલી આ રથયાત્રાએ સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બે કિમીથી લાંબી અને ચાર કિમીથી વધુ શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થતી રથયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય બનાવવાની તૈયારીઓ ત્રણ મહિના અગાઉથી જ કરાઈ રહી છે. - શહેરના 10 ભાગ પાડવામાં આવ્યા : રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે રથયાત્રાના કાર્યાલય પર પત્રકાર પરિષદમાં માહિતી અપાતાં સંયોજક અજયભાઈ દાદલ, મેઘજીભાઈ હીરાણી, સહ સંયોજક દેવજીભાઈ કેરાઈ, બાબુભાઈ ગઢવી, વિનોદભાઈ હડિયા, પાલાભાઈ રબારી, ગણેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, રથયાત્રાના સૂચારુ આયોજન માટે આ શહેરના 10 ભાગ પાડવામાં આવ્યા છે. ટ્રસ્ટના કાર્યકરો અને સ્વયંસેવકો સૂચારુ આયોજન માટે કામગીરી કરી રહ્યા છે. શહેરની રથયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સામાજિક સંસ્થાઓના આગેવાનો, સમાજના પ્રમુખો, વેપારી મંડળો સાથે બેઠક કરવામાં આવી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ, બેનર, રંગોળીઓથી શહેરને સુશોભિત કરવા માટે સહયોગનો અનુરોધ કરાયો છે. - ભગવાન રામના જીવન આધારિત રથને પ્રાધાન્ય : આ વર્ષે 42મી રથયાત્રાની વિશેષતાઓ એ છે કે, પ્રભુ શ્રીરામના જીવનને આધારિત ફ્લોટને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભગવાન રામના જીવનના આદર્શોને નવી પેઢીને પ્રેરણા મળે તે અંગે વિશેષ તૈયારીઓ કરાઈ હોવાનું મેઘજીભાઈ હીરાણી અને પાલાભાઈ રબારીએ જણાવ્યું હતું. રથયાત્રાને અનુલક્ષીને શહેરના સર્કલોને વિવિધ લાઈટો, ધ્વજ, ઝંડીઓથી શણગાર કરવામાં આવી રહ્યો છે. રામ ભગવાનના વાઘા વિગેરે રામ મંદિરની થીમથી તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના પ્રવેશના પાંચ નાકાંના પ્રવેશદ્વારો તેમજ મકાનો, વાહનો ઝંડી, પતાકા અને રંગોળીથી સુશોભિત કરાશે. આ રથયાત્રાના આયોજનની તૈયારીમાં 600થી વધુ કાર્યકરો યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. - રથયાત્રા પૂર્વે ધર્મ સભા યોજાશે : આ રથયાત્રામાં ફોટોગ્રાફી તેમજ રીલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી ફોટોગ્રાફરો ભાગ લેવા આવશે. રથયાત્રાના પ્રારંભ પહેલાં સ્વામિનારાયણ મંદિર મધ્યે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ છ મંદિરોમાં મહાઆરતી થશે. આ રથયાત્રાના સફળ આયોજનમાં સંયોજક તથા સહસંયોજકની સાથે-સાથે મોહનભાઈ સોરઠિયા, તેજપાલભાઈ લોચાણી, ગણેશભાઈ આહીર, બાબુભાઈ ગઢવી વગેરે સેવા આપી રહ્યા છે. - 19 હજારથી વધુ પરિવારને આમંત્રણ અપાયું : ભવ્ય રથયાત્રામાં રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના કાર્યકરો અને સ્વયંસેવકો ઘરે-ઘરે જઈને રૂબરૂ આમંત્રણ તથા સ્ટીકર તેમજ ભારતીય મંદિરોના ઇતિહાસ અંગેની માહિતી ધરાવતી પુસ્તિકાઓનું વિતરણ કરી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારો તથા સોસાયટીઓ તેમજ દરેક સમાજના લોકોને રૂબરૂ મળી મળી રહ્યા છે અને 19,000થી વધુ પરિવારને આ રથયાત્રામાં સહયોગી થવા નિમંત્રણ આપવામાં આવ્યાં છે. - શહેરના બિસમાર માર્ગો અડચણરૂપ : આગામી દિવસોમાં આવી રહેલા વિવિધ ધાર્મિક તહેવારો રામનવમી, દરિયાલાલ જયંતી સહિતના તહેવારો ઊજવાશે, તેવામાં શહેરના બિસમાર માર્ગો અડચણરૂપ બની રહ્યા છે. શહેરના મોટાભાગના રસ્તાઓ 12 મીટર રોડ, 9 મીટર રોડ પર વીજ કેબલો પાથરવાની કામગીરીથી શહેરના રસ્તાઓ ઉપર મોટા ખાડાઓ, ડામરના ઢેબાઓ, રોડ ખોદીને રાખી દેવામાં આવતાં શહેરના મોટા તહેવારોમાં ખૂબ જ અડચણ રૂપ બની શકે તેમ છે. તહેવારો દરમિયાન રોડ-રસ્તાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ તાકીદે લાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd