• ગુરુવાર, 19 માર્ચ, 2026

દુધાળા પશુઓ પર ગરમીની અસર, દૂધ ઉત્પાદનમાં ઘટાડો

રફીક ચાકી દ્વારા : કોટડા (ચકાર), તા. 17 : કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો દિવસે ને દિવસે ચઢતો જઈ રહ્યો છે અને ગરમ પવન (લૂ) પણ ફૂંકાઈ રહ્યો છે. વધતી ગરમીની અસર હવે માત્ર માનવજીવન પૂરતી સીમિત રહી નથી, પરંતુ દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો જણાવે છે કે, કાળઝાળ ગરમીનાં કારણે ગાય અને ભેંસના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમ વાતાવરણ બદલે એટલે ઠંડીમાંથી ગરમી અચાનક આવી જાયે એટલે દુધાળા પશુઓ પર પણ અસર પડે તેવું ચાકી હુસેની કાસમભાઈ માલધારીઓનું કહેવું છે - દૂધ ઉત્પાદનમાં ઘટાડો : પશુપાલકો પાસેથી મળેલી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં ભેંસ દિવસ દરમિયાન અંદાજે 8થી 12 લિટર સુધી દૂધ આપતી હોય છે, પરંતુ તાપમાન જેમ વધે તેમાં લગભગ 20થી 30 ટકા સુધી ઘટાડો જોવા મળે  છે.  ભેંસનું દૂધ ઉત્પાદન સરેરાશ 5થી 9 લિટર જેટલું થઈ જાય છે, તેવું માલધારીઓ જણાવે છે. તે જ રીતે દેશી ગાયો સામાન્ય રીતે 4થી 7 લિટર દૂધ આપતી હોય છે, પરંતુ ગરમીના વધતા પ્રભાવને કારણે તેમાં પણ 15થી 25 ટકા જેટલો ઘટાડો થાય છે અને ગરમી વધી જતાં દૂધ ઉત્પાદન સરેરાશ 3થી 5 લિટર સુધી સીમિત રહેતું હોવાનું જણાવ્યું હતું. - પશુના ખોરાકનું પ્રમાણ પણ ઘટયું : માલધારીઓનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનના આ આંકડા અંદાજિત છે, કારણ કે, ગાય અને ભેંસની જાત, તેમનું સ્વાસ્થ્ય, ખોરાક, પાણી તેમજ તેમની સારસંભાળ મુજબ દૂધ ઉત્પાદન બદલાતું રહે છે. તેમ છતાં મોટા ભાગના પશુપાલકોનો અનુભવ છે કે, ગરમી વધતાં દૂધમાં ઘટાડો થતો જાય છે. ઉનાળાની ઋતુમાં પશુઓમાં બેચેની, હાંફવું અને ખોરાક ઓછો લેવું જેવા લક્ષણો પણ જોવા મળે છે. - શરીરમાં ઊર્જાની અછત : પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ પશુઓના શરીર માટે અનુકૂળ તાપમાન સામાન્ય રીતે 36થી 38 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં વાતાવરણનું તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ જાય છે, ત્યારે પશુઓમાં હીટ સ્ટ્રેસ એટલે કે ગરમીનો તણાવ વધે છે. આ સ્થિતિમાં પશુઓની પાચનશક્તિ ધીમી પડી જાય છે અને તેઓ ચારો ઓછો લે છે. શરીરમાં ઊર્જાની અછત સર્જાતાં દૂધ ઉત્પાદન પર સીધી અસર પડે છે. - ફેટનાં પ્રમાણ પર અસર : વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ જાય છે, ત્યારે પશુઓના શરીરના તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા રહે છે, જેનાં કારણે તેઓ હાંફવા લાગે છે અને શ્વાસ લેવાની ગતિ પણ વધે છે. આ પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદન સામાન્ય સ્તર કરતાં ઘણી હદે નીચે ઊતરી જાય છે. ગરમીનાં કારણે દૂધમાં રહેલા ફેટનાં પ્રમાણ પર પણ અસર પડતી હોવાની માહિતી મળી રહી છે. - લીલાચારાની અછત : ઉનાળામાં લીલાચારાની અછત પણ પશુપાલકો માટે મોટો પડકાર બની રહે છે. ગરમી વધતાં ચરોતરોમાં લીલોચારો ઓછો મળતો હોવાથી પશુઓને પૂરતું પોષણ મળવામાં મુશ્કેલી ઊભી થાય છે, જેનાં કારણે પશુઓનું આરોગ્ય પણ અસરગ્રસ્ત બને છે અને દૂધ ઉત્પાદન પર તેની સીધી અસર પડે છે. - ઠંડક માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી : પશુચિકિત્સા નિષ્ણાતો પશુપાલકોને સલાહ આપે છે કે, પશુઓને તીવ્ર તડકાથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. પશુઓને શેડમાં અથવા ઝાડની ઘટાદાર છાંયમાં રાખવા, સમયાંતરે તેમના શરીર પર પાણીનો છંટકાવ કરવા અને ગમાણમાં હવા ચાલતી રહે તે માટે બારીઓ અથવા પંખાની વ્યવસ્થા કરવી જોઈએ. ઉપરાંત પશુઓને દિવસ દરમિયાન પૂરતું ઠંડું અને સ્વચ્છ પાણી પીવા આપવું તેમજ ખોરાકમાં ઘાસચારો અને સંતુલિત પશુઆહાર આપવો જરૂરી છે.  પશુપાલકોનું કહેવું છે કે, જો ઉનાળાની ગરમી લાંબા સમય સુધી આવી જ રીતે વધતી રહેશે તો દૂધ ઉત્પાદન પર વધુ અસર પડી શકે છે, તેથી પશુપાલકો હવે પશુઓની સંભાળ અને ઠંડકની વ્યવસ્થા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. - નિષ્ણાતોનો મત : ઉનાળાની તીવ્ર ગરમી પશુપાલન વ્યવસાય માટે પડકારરૂપ બની રહી છે. યોગ્ય માવજત, પૂરતું પાણી, છાંયડો અને પોષક આહાર આપવાથી પશુઓને ગરમીના પ્રભાવથી ઘણા અંશે બચાવી શકાય અને દૂધ ઉત્પાદનને પણ સ્થિર રાખવામાં મદદ મળી શકે તેવો નિષ્ણાતોનો મત હોવાનું જણાવાયું હતું. 

Panchang

dd