• ગુરુવાર, 19 માર્ચ, 2026

આજથી ત્રણ દિવસ માવઠાંનો ખતરો

ભુજ, તા. 17 : દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યની સાથે કચ્છનાં વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે બુધથી શુક્ર દરમ્યાન કચ્છના કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 18થી 20 દરમ્યાન કચ્છ સહિત રાજ્યના ઘણાખરા વિસ્તારમાં તોફાની કમોસમી વરસાદ વરસવા માટેનું યલો એલર્ટ જારી કર્યું છે. ભુજમાં 37, કંડલા એરપોર્ટ ક્ષેત્રમાં 37.1, નલિયામાં 33.6 અને કંડલા પોર્ટમાં 34.7 ડિગ્રી મહત્તમ તાપમાને બપોરના ભાગે તાપની અનુભૂતિ થઇ હતી. સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકાથી ઉપર નોંધાતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાકળભીની સવાર સાથે ધુમ્મસનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. ભુજ સહિતના વિસ્તારમાં ઝાકળવર્ષાથી ઝરમર વરસાદ જેવો નજારો જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતે બુધવારથી વાતાવરણમાં પલટાની અસર જોવા મળશે. કમોસમી વરસાદ વરસવાની સર્વાધિક શક્યતા ગુરુવારે છે. કેટલાક વિસ્તારમાં માવઠાંની તીવ્રતા હળવાથી મધ્યમ વરસાદની હોઇ શકે છે. 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ પણ થઇ શકે છે. 

Panchang

dd