• ગુરુવાર, 19 માર્ચ, 2026

નંદાદેવીમાંથી શિપ ટુ શિપ એલપીજી ટ્રાન્સફર કરાયો

ગાંધીધામ, તા. 17 : મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશમાં એલપીજી ગેસની અછત   ગુજરાતના બે બંદર ઉપર આવેલાં જહાજો થકી ઉકેલાશે.  સોમવારે એક જહાજ મુંદરા આવી પહોંચ્યા બાદ આજે બીજું જહાંજ  દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા હસ્તકના વાડીનાર બંદરે આવી પહોંચ્યું હતું. આ દરમ્યાન શિપ ટુ શિપ હેન્ડલિંગની કામગીરી કરી હતી. આ પદ્ધતિ વૈશ્વિક ઊર્જા પડકારો વચ્ચે પણ ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઈનની અવિરતતા સુનિશ્ચિત કરી રહી છે. આ દિશામાં મહત્ત્વપૂર્ણ વિકાસ રૂપે ઈરાનની હોર્મુઝ ખાડી સફળતાપૂર્વક પાર કરી એલ.પી.જી.ના જથ્થા સાથેનું જહાજ આજે સવારે વાડીનાર બંદરે આવી પહોંચ્યું હતું.  45,500 મેટ્રિક ટન એલપીજી ભરેલું જહાજ પહોંચતાની સાથે જ શિપ ટુ શિપ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મગર વેસલ નંદાદેવીની બાજુમાં જ એમ.ટી.બી. ડબલ્યુ બ્રિચ જહાજ લાંગરવામાં આવ્યું છે અને તેમાં આ  એલ.પી.જી.નો જથ્થો ટ્રાન્સફર કરાયો છે. આ જહાજ ભારતના હલ્દિયા અને એન્નોર પોર્ટ ઉપર જઈને કતારથી આવેલો એલપીજીનો જથ્થો ખાલી કરશે. શિપ ટુ શિપ ટ્રાન્સફર જેવી આધુનિક દરિયાઈ પ્રક્રિયાઓ મોટાં જહાજોમાંથી ઊર્જા માલને અન્ય જહાજોમાં ઝડપથી અને સુરક્ષિત રીતે પરિવહન કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા દ્વારા બંદર પર દબાણ ઘટાડવામાં આવે છે. સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે અને સમગ્ર સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બને છે. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે વાડીનાર ખાતે નંદાદેવી  જહાજની મુલાકાત લીધી હતી અને તેમણે કેપ્ટન અને ક્રૂ સાથે સંવાદ કર્યો હતો અને એસ.ટી.એસ. ઓપરેશનની તૈયારીઓ, સલામતી માપદંડો   અને કામગીરીની સમીક્ષા કરી હીત. તેમની  ઉપસ્થિતિથી સમગ્ર કામગીરીને પ્રોત્સાહન મળ્યું હતું  અને અધિકારીઓને તેમણે આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રકારની કામગીરીઓ આત્મનિર્ભર ભારત, ગતિશક્તિ અને મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્કનાં રાષ્ટ્રીય વિઝનને આગળ ધપાવતી સાબિત થાય છે. ભારતનાં બંદરો દ્વારા આવી કાર્યક્ષમતાનું સતત પ્રદર્શન દેશની ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓએ લઈ જઈ રહ્યું છે.  જહાજને ઝડપભેર બર્થ ઉપર લાવવામાં ડીપીએના ટ્રાફિક મેનેજર પી. રત્નાશેખર રાવવાડીનારના સીઓએમ રામાસ્વામી, મરીન ઈજનેર નરેન્દ્ર નાયક સહિતનો સ્ટાફ સહયોગી બન્યો હતો. - ડીપીએ દ્વારા ઓ.એસ.ડી.ની  નિમણૂક : વપરાશકારો માટે રાઉન્ડ ધ ક્લોક માર્ગદર્શન : ગાંધીધામ, તા. 17 : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ડીપીએ દ્વારા એલપીજી સહિતના જરૂરિયાતવાળા કાર્ગોના જહાજના ઝડપી બર્થિંગ માટે શિપિંગ મંત્રાલયના આદેશ અનુસાર જરૂરી પગલાં લેવાયાં છે. પોર્ટ દ્વારા ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટીની નિમણૂક  કરાઈ છે, જે વપરાશકરોને જહાજનાં બર્થિંગ સહિતની કોઈ પણ કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક માહિતી આપવામાં આવશે.   

Panchang

dd