• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

માવજી મહેશ્વરીને કચ્છી ગૌરવ પુરસ્કાર

ભુજ, તા. 11 : ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા દરવર્ષે વિવિધ ભાષાના સર્જકોને જે-તે ભાષા માટે કરેલા સંનિષ્ઠ પ્રયાસો બદલ ગૌરવ પુરસ્કાર જાહેર કરાય છે. તેમાં કચ્છી ભાષાના ગૌરવ પુરસ્કાર પણ હોય છે. આજે વર્ષ 2024 માટે ગૌરવ પુરસ્કાર ગુજરાતના જાણીતા લેખક માવજી મહેશ્વરીને, જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર મુંબઇ રહેતા દીપક નંદાને જાહેર કરાયા છે, તેવું અકાદમીના  અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવની યાદીમાં જણાવાયું છે. કચ્છમિત્રના નિયમિત કટાર લેખક માવજી મહેશ્વરીથી કચ્છના લોકો અજાણ નથી. છેલ્લા બે દાયકાથી કચ્છમિત્રમાં વિવિધ કટારો અને નવલકથા આપી ચૂકેલા લેખકે કચ્છી ભાષામાં પણ નોંધનીય યોગદાન આપ્યું છે. 2007માં તેમનો કચ્છી વાર્તાસંગ્રહ `રત' પ્રગટ થયો હતો, જેને બે એવોર્ડ મળેલા છે. એ સાથે માવજીભાઇ વિસરાતો કચ્છી ભાષાનો વારસો સાચવવા  પીરોલી વિશે સંશોધન પણ કરી રહ્યા છે. તેમણે 2006માં જીઆઇઇટીનો પહેલાં કચ્છી કાર્યક્રમ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. તેના છ જેટલા એપિસોડ રજૂ થયા હતા. આ ઉપરાંત 2001થી 2012 સુધી ડાયેટ દ્વારા શિક્ષકોને અપાતી કચ્છી ભાષાની તાલીમના તજજ્ઞ તરીકે  કાર્ય કર્યું છે. કચ્છના લોકસંગીત અંતર્ગત દૂરદર્શન પર ઇન્ટરવ્યૂ પણ પ્રસારિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમિત્રમાં માવજીભાઇની `મેળો' નવલકથા બહુ લોકપ્રિય બની હતી, તો ભૂકંપ આધારિત કટાર `િતરાડ' પણ લોકોની સંવેદના હચમચાવી ગઇ હતી. આ કટાર પરથી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તિનકા તિનકા નાટકનું મંચન કરાયું હતું. આ એવોર્ડમાં લેખકને એક લાખની રાશિ, સ્મૃતિચિહ્ન તથા શાલનો સમાવેશ થાય છે. જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર મેળવનારા દીપક નંદા અબડાસા તાલુકાના બિટ્ટા ગામના છે અને મુંબઇ રહે છે. તેમણે `વલ' નામે કચ્છી કાવ્યસંગ્રહ બહાર પાડયો છે. તેઓ આ ઉપરાંત કચ્છી  સાહિત્ય અકાદમીના મુખપત્ર ચિંગાર, કચ્છી સાહિત્ય સંકુલના સંભાર, કચ્છમિત્રની કટાર ધિલજી ગાલ્યું અને મુંબઇ કવીઓના માસિક પગદંડીમાં તેમના કાવ્યો પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. મુંબઇમાં કચ્છી ભાષાના મુશાયરામાં તેમની રચનાઓ રજૂ કરતા રહ્યા છે. અહીં એ નોંધનીય છે કે, ગુજરાતી ભાષા માટે યુવા ગૌરવ એવોર્ડ અજય સોનીને જાહેર થયો છે. 

Panchang

dd