મુંબઈ, તા. 11 : કચ્છના આરોગ્યધામ તરીકે વિશ્વવિખ્યાત
બિદડા હવે `વેલનેસ વિલેજ' તરીકે વૈશ્વિક ફલક પર ઊભરી આવવા સજ્જ છે. જાન્યુઆરીમાં
51મા બિદડા કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા
દ્વારા રજૂ કરાયેલા આ વિઝનરી વિચારને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પ્રોત્સાહન આપ્યું હતું. આ વિચારને
મૂર્ત સ્વરૂપ આપવા માટે મુંબઈના માટુંગા મધ્યે બિદડાના બુદ્ધિજીવીઓ અને અગ્રણીઓની એક
વિશેષ વિચાર-ગોષ્ઠિ યોજાઈ હતી. - પર્યાવરણ
અને સ્વાસ્થ્યનો સંગમ : આ સૂચિત `વેલનેસ વિલેજ' માત્ર તબીબી સારવાર પૂરતું મર્યાદિત નહીં રહે,
પરંતુ પ્રકૃતિ અને પરંપરા સાથે જોડાયેલું હશે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
નીચે મુજબ છે : ગ્રીન કન્સ્ટ્રક્શન : આખું ગામ પ્લાસ્ટિકમુક્ત રહેશે અને નવાં
બાંધકામોમાં ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરાશે. - સંકલિત સંસ્થાઓ : આ પ્રોજેક્ટમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા ગૌશાળા અને કચ્છ યુવક સંઘ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
તેમજ વિવિધ વિરાસત (Heritage) સ્થળોનો
સમાવેશ કરવામાં આવશે. - કચ્છમિત્રની
ભૂમિકા : આ સમગ્ર સંકલ્પનાને જન-જન
સુધી પહોંચાડવા અને બ્લૂ-પ્રિન્ટ તૈયાર કરવામાં `કચ્છમિત્ર'ની ટીમ
મહત્ત્વની કડી તરીકે કાર્યરત છે. - શા માટે બિદડા અને શા માટે કચ્છ? : બેઠકમાં ચર્ચા
મુજબ કચ્છ પોતાની શાંતિ, શુદ્ધ હવા
અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. પ્રવાસીઓ જ્યારે બિદડા આવે ત્યારે તેમને શારીરિક
સારવારની સાથે માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ મળે તે હેતુથી આ વેલનેસ વિલેજનું
નિર્માણ થઈ રહ્યું છે. - આગામી કદમ
: મુંબઈની સફળ બેઠક બાદ હવે આગામી માટિંગ
બિદડા ખાતે યોજાશે, જેમાં સ્થાનિક
સમુદાયો અને તમામ હિતધારકોને સાથે રાખીને આખરી ઓપ આપવામાં આવશે. કચ્છના વિકાસમાં આ
પ્રોજેક્ટ એક નવો અધ્યાય લખશે તેવો આશાવાદ હાર્દિકભાઈ મામણિયા અને અન્ય મહાનુભાવોએ
વ્યક્ત કર્યો હતો. મુંબઇમાં મળેલી મહત્ત્વપૂર્ણ બેઠકને સફળ બનાવવામાં બિદડા સર્વોદય
ટ્રસ્ટના ટ્રસ્ટી શરદ રાંભયા, સી.એ. હિતેશ વીરા, લક્ષ્મીચંદભાઇ તેમજ જૈન યુથ ફોરમના ટ્રસ્ટી રૂપેશ વોરા અને જીગર ગાલાએ મહત્ત્વની
ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સમાપન પ્રવચન જયંત મારૂ દ્વારા આપવામાં આવ્યું હતું.
- પાયાના વિચાર
પર મજબૂત નિર્માણ : હાર્દિક મામણિયાએ બિદડામાં
પ1મા કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં `વેલનેસ વિલેજ'નો વિચાર વહેતો કર્યો હતો.