રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 11 : ઊબડખાબડ મેદાનથી લઈને મહાનગર સુધી પહોંચેલું પંચરંગી શહેર ગાંધીધામ
સંકુલનો 78 વર્ષમાં અનેક ઉતાર-ચઢાવો, 1998નું ભયાનક
વાવાઝોડું, 2001નો વિનાશક ભૂકંપ સહિત આપત્તિઓ-વિપત્તિઓનું સાક્ષી બનીને પુરુષાર્થથી
અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. પાંચ વર્ષમાં આ શહેર ઇન્ડસ્ટ્રીઓ-ઉદ્યોગો, ફેક્ટરીઓ અનુરૂપ બની જશે. મહાનગરમાં વસતા છ
લાખ લોકોને ડ્રેનેજ તથા પીવાનાં પાણીની સુવિધાઓ આપવાથી લઈને આધુનિક મનોરંજન સ્થળ અને
આઇકોનિક માર્ગોનાં નિર્માણનાં કાર્ય થઈ રહ્યાં છે. આઝાદી પછીના નિર્માણ પામેલા યુવા
શહેરે આધુનિક મહાનગર બનવા તરફ પ્રયાણ કર્યું છે. - નવસર્જન પામેલાં શહેરના ઇતિહાસ
ઉપર એક નજર : ગાંધીધામના
આદ્યસ્થાપક સ્વ. ભાઈપ્રતાપે સ્થાપના પૂર્વે જંગલ જેવા વિસ્તારમાં શહેરનું નિર્માણ શરૂ
કર્યું હતું. પશ્ચિમી પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા લોકો પોતાના માલ-મિલકત છોડીને
ખાલી હાથે નીકળ્યા હતા. પ્રતાપ ડિયલદાસની વિનંતીને ધ્યાનમાં રાખીને કચ્છના મહારાવે
જમીન ફાળવી હતી, તેના ઉપર ગાંધીધામ સંકુલની
ટાઉનશિપનું નિર્માણ થયું છે. સ્થાપનાનું કાર્ય ખૂબ કપરું હતું, મહાત્મા ગાંધીનાં અવસાન બાદ તેમના અસ્થિઓને ગાંધીધામ લાવવામાં આવ્યા હતા અને
12 ફેબ્રુઆરી 1948ના ગાંધીધામની સ્થાપના કરવામાં
આવી હતી. જર્મન ઈજનેરો દ્વારા શહેરનું આયોજન હાથ ધરાયું હતું. કચ્છના મહારાવથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, શહેરના સ્થાપક ભાઈપ્રતાપ, એસ.આર.સી.થી લઈને અનેક મહાપુરુષોનાં
યોગદાનથી 78 વર્ષનું શહેર
મહાનગરની સફર કરી રહ્યું છે. - 2500થી વધુ અતિક્રમણ દૂર કરાયા : આઝાદી બાદ નિર્માણ પામેલાં શહેરોમાં આધુનિક
વ્યવસ્થાનો વ્યાપ અપાયો હતો. બહુ વ્યવસ્થિત આયોજન સાથે નિર્માણ થયું હતું, પરંતુ સમય જતાં-જતાં શહેરોના માર્ગો ઉપર તેમજ
આંતરિક વિસ્તારોમાં વ્યાપક દબાણો થવા લાગ્યાં. 78 વર્ષમાં બંને શહેર દબાણોના
અજગરી ભરડામાં સપડાઈ ગયા. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ કોઈ પણ ભેદભાવ વગર
મુખ્ય બજારથી વર્ષો જૂની દબાણોની સમસ્યા દૂર કરવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે ટ્રાફિક
સહિતની સમસ્યાને નડતરરૂપ એક પછી એક વિસ્તારોના અતિક્રમણ હટાવવામાં આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 2500થી વધુ દબાણ દૂર કરીને માર્ગોને
તેના મૂળ સ્વરૂપમાં લઈ આવવામાં આવી રહ્યા છે. - પાંચ આઇકોનિક સાથે 65 માર્ગનું નિર્માણ :
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ
વિસ્તારમાં લગભગ 200 કરોડનાં કામ
પ્રગતિમાં છે. વિવિધ પાંચ આઈકોનિક માર્ગ સાથે
ગાંધીધામ સંકુલમાં આરસીસી, પેવરબ્લોક
અને ડામર સહિત કુલ 65 માર્ગનું
નિર્માણ થઈ રહ્યું છે. આગામી બજેટમાં અને અલગ- અલગ પ્રકલ્પ હેઠળ સરકારમાં દરખાસ્ત કરીને
રોડ નેટવર્કને વધારે મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં પગલાં ભરાશે. - છ મહિનામાં આધુનિક સુવિધાઓ સાથે મનોરંજન સ્થળ મળશે : ગાંધીધામ - આદિપુરના નાગરિકોને સારાં મનોરંજન
સ્થળ એટલે કે બગીચાઓ મળે તેવા હેતુસર હાલના સમયે ગાંધીધામ આદિપુરના બગીચાઓનું નિર્માણ
કરાઈ રહ્યું છે.આધુનિક સુવિધાઓ સાથે યુવાનો, વડીલો, વૃદ્ધો અને બાળકોને મનોરંજન તેમજ રમતગમતનાં સારાં
સાધનો મળી રહે તે રીતે બગીચાઓનું નિર્માણકાર્ય થઇ રહ્યું છે. - ટાઉનહોલ-શાકમાર્કેટ અને ફાયર
સ્ટેશનનું કામ પ્રગતિમાં : ગાંધીધામ સંકુલમાં વિકાસનાં કાર્યોએ ગતિ
પકડી છે.આધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે.આ ઉપરાંત સેક્ટર વિસ્તારમાં આવેલા ટાઉનહોલનું નવીનીકરણ કરવામાં
આવશે . ગાંધીધામને મહાનગર બનાવાની દિશામાં થતા કાર્યોનું આગામી સમયમાં પરિણામ મળશે.