• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

રતનાલમાં ટેકરી ઉપર 28 ફૂટની પૂર્ણ સ્વરૂપની હનુમાન મૂર્તિ સ્થાપિત

રતનાલ, તા. 29 : અંજાર તાલુકાનાં રતનાલમાં ભુજ હાઇવે પર હનુમાન ટેકરી મધ્યે હનુમાનજીની પૂર્ણ સ્વરૂપની 28 ફૂટની મૂર્તિ સાધુ-સંતો, સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં સ્થાપિત કરવામાં આવી હતી.  સાળંગપુરથી ભુજ પદયાત્રામાં આવેલા હરિપ્રસાદ સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્ણ સ્વરૂપ હનુમાનજી મહરાજની વિશાળ કદની મૂર્તિના દાતા દિવંગત ગોપાલ તેજાભાઈ ભોજાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થ વાસણભાઇ ગોપાલભાઈ આહીર (પૂર્વ રાજ્યમંત્રી) પરિવાર દ્વારા મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. આ  કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા સ્વામીએ આવા ભગીરથ કાર્ય બદલ પૂર્વ રાજયમંત્રીના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને અંજનીપુત્ર હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ સ્થાપિત થતાં આ જગ્યાએ પ્રવાસનમાં વધારો થશે અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાની આશા વ્યક્ત કરી હતી. સ્વામી દ્વારા મૂર્તિનું સંકટમોચન હનુમાનજીદાદા નામકરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, હાઇવે પર વિશાળ કદની મુર્તિની સ્થાપનાનાં પગલે પદયાત્રીઓ, આસ્થાળુઓ માટે આ જગ્યા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અને આકર્ષણનું સ્થાન બનશે. કાર્યક્રમમાં દાતા પરિવાર વતી રણછોડ વાસણભાઇ આહીરે જણાવ્યું કે, પરિવારના સર્વે પિતુઓનાં સ્મરણાર્થે 28 ફૂટની ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિ નિર્માણનો વિચાર આવ્યો હતો અને આશરે પાંચ મહિનાના સમયગાળામાં આ મૂર્તિ નિર્માણ પામી હતી. કચ્છના મૂર્તિકલાના નિષ્ણાત કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કમલેશ મારાજ, ભગવાનદાસજી મહારાજ, દિલીપ મારાજ, રાજેશ બાવાજી, ત્રિકમ વાસણભાઇ આહીર, ડો. નવઘણ વાસણભાઇ આહીર, જીવા ગોપાલ ભોજાણી, ભચુ બાપા, જીવા હીરા, રૂડા અરજણ, કાનજી અરજણ, વાઘજીભાઈ માતા, માવજીભાઈ માતા, ભીમજીભાઈ ડાંગર, ભગુભાઈ વિરૂ, વાલજી ઉકેરાણી, કાનજી જીવા આહીર, રણછોડ અરજણ, ભગુ વાઘાણી, રણછોડ ભગત, દેવજી વસા, રતનાલ સ્પોર્ટ્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd