ભુજ, તા. 29 : શહેરના હોસ્પિટલ રોડ ઉપર આવેલ
વર્ધમાનનગર વિસ્તારમાં ગટર લાઈન નાખ્યા બાદ લગભગ બે વર્ષ વિતી ગયાં છતાં રોડનું કામ
પૂર્ણ ન થતાં રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. તેમના જણાવ્યા મુજબ છેલ્લાં 20 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં
એક વખત પણ રસ્તાનું કામ કરાયું નથી. જેને પગલે સમગ્ર સોસાયટી ખાડાઓમાં ફેરવાઈ ગઈ છે.
આ પરિસ્થિતિને કારણે જૈન સાધુ-સાધ્વીજીઓ, વૃદ્ધો તેમજ દૈનિક આવન-જાવન કરતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી
રહ્યો છે. વારંવાર નગરપાલિકા પાસે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે સોસાયટીના
પ્રમુખ રમણીકલાલ મહેતાની આગેવાની હેઠળ આશરે 50થી વધુ રહેવાસી નગરપાલિકામાં ધસી ગયા હતા અને પ્રાંત અધિકારી
અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવને રજૂઆત કરી હતી. પ્ર્રત્યુત્તરમાં શ્રી જાદવે રહેવાસીઓને
ખાતરી આપી હતી કે, તાત્કાલિક
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાશે અને કારોબારી દ્વારા ભાવ મંજૂર થતાં જ કોન્ટ્રાક્ટરને
વર્ક ઓર્ડર અપાશે અને રોડનું કામ શરૂ કરાશે. આ રજૂઆત દરમિયાન વોર્ડ નં.-10નાં નગરસેવિકા રસિલાબેન પંડયા,
મનોજગિરિ ગોસ્વામી, જયંતીલાલ મહેતા આશિષ વારૈયા
સહિત રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.