જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે અંજાર હોસ્પિટલના સરકારી ક્વાર્ટરમાં
રહેતા હતા. મારા પપ્પાની ત્યાં એક્સ-રે ટેકનિશિયન તરીકે નોકરી હતી. 26મી જાન્યુઆરીની રજા હોવાથી અમે બે બહેન
ભુજ નર્સિંગ કોલેજમાંથી ઘરે આવ્યા હતા. સવારે સૌ પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા, ત્યાં અચાનક અવાજ આવ્યો, હીંચકાની જેમ આખું ઘર ડોલવા લાગ્યું. હું રસોડામાંથી પપ્પા પાસે ડ્રોઈંગ રૂમમાં
જવા ભાગી, જેવી આગળ વધી કે રસોડાની દીવાલ પડી, જાણે કોઈએ મારી રક્ષા કરી! બીજી બે બહેન, ભાઈ અને મમ્મી
બધા ભેગા થયા, પણ બહાર નીકળીએ એ પહેલાં તો છત અમારા પર પડી અને
અમે બધા એક સાથે દબોચાઈ ગયા. મારો ભાઈ નાનો એટલે માટી-પથ્થર હટાવતાં એને ઢગલામાંથી
બહાર કાઢયો અને ધીમેધીમે કરતાં અમે બધા બહાર નીકળ્યા, આ પણ ભગવાનનો
ઉપકાર જ કે અમારો આબાદ બચાવ થયો હતો. બહાર નીકળીને જોયું તો બધું તહસનહસ. દુ:ખ કે ચિંતા
કરરવાને બદલે હું આગળ વધી. ખત્રી ચકલા અંજારની શેરી સાંકડી હતી અને ત્યારે બાળકોની
રેલીમાં ઘણા ઘાયલ થયા હતા. તેમને ટ્રકમાં ભરીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હું આ સાંભળતાં
નર્સિંગની સ્ટુડન્ટ હોવાથી સ્ટાફ સાથે તેમની પ્રાથમિક સારવાર કરી મોટી હોસ્પિટલમાં
વધુ ઈલાજ માટે મોકલવામાં મદદ કરી. આ બધામાં બપોર થઈ ગઈ હતી. ભોજન-પાણીનો ખ્યાલસુદ્ધાં
ન રહ્યો. બધાં મેદાનમાં એકઠા થયા હતા, ત્યાં હું પહોંચું તેવામાં
તો કોઈએ બૂમ પાડી, બાજુનાં શિવમંદિરમાં એક પ્રસૂતા પીડાઈ રહી
હોવાનાં સમાચાર આપ્યાં અને અમે ત્યાં દોડયા. એ પ્રસૂતાની ડિલિવરીમાં સિસ્ટરને મદદ કરી
અને સર્વત્ર વિનાશની વચ્ચે નવજીવનને ધબકતા અનુભવ્યું! અમે તેનું નામ પણ `ભૂકંપ'
રાખેલું. આસપાસના મૃત્યુના માહોલમાં મારા પરિવારનો આબાદ બચાવ,
ઘાયલોની સેવા અને બાળકના જન્મમાં મદદ જેવી કામગીરી આ બધું એક જ દિવસમાં
ઘટયું. એ દિવસ જાણે સમગ્ર જીવનચક્ર વર્ણવી રહ્યું. એ અનુભવ પછી મને એ પણ સમજાયું કે
એક ત્રી ભણેલી-ગણેલી હોય તો વિપત્તિમાં ખૂબ મદદરૂપ બની શકે છે. (પચ્ચીસ વર્ષ જૂની ભૂકંપ સ્મૃતિને
યાદ કરવા પ્લેટફોર્મ આપવા બદલ કચ્છમિત્રનો આભાર માનતાં ભુજના યજ્ઞેશ્વરી રામચંદ્ર જેઠી
નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.)