નખત્રાણા, તા. 29 : યાંત્રિક ખેતીના વધેલા વ્યાપથી
જમીનના પેટાળમાંથી ઉલેચાતાં આડેધડ પાણી, બીજી તરફ ગાંડા બાવળથી ઘેરાયેલા સીમતળમાં જમીનમાંથી ચૂસાતા રસાંગના કારણે ભૂતળનાં
પાણી ઉત્તરોત્તર ઊંડાં ને ઊંડાં ઊતરતાં જાય છે. `સુખનું સરનામું' અંતર્ગત જળસંચયના વિકાસ માટે `કચ્છમિત્ર' મીડિયા
પાર્ટનરના સહયોગથી જળસંચયના વિકાસકામોનો નોંધપાત્ર વધારો થયો છે, તેવી રીતે અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, લખપત,
અબડાસા તાલુકામાં જ્યાં-જ્યાં જૂના જમાનામાં નિર્માણ થયેલા તળાવોની સુધારણા,
આવ બંધ, ઓગન સહિતનાં કામો માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાની ખુદ કોઠાસૂઝથી અનેકવિધ જળસંચયના યોગ્ય રીતે કામો થયાં છે એવા કામો અંતર્ગત
જે સરકારી તંત્રનું દાન અને લોકભાગીદારીથી તેમજ સંસ્થાઓનાં દાનથી નિર્માણ થતાં અનેક કામો જે યોગ્ય લોકેશનમાં નહીં થવાનાં કારણે નુકસાન થાય છે,
જેનું ઉદહારણ આપતાં ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે,
નખત્રાણા તાલુકાની સીમમાં વરસાદી પાણી જમીનમાં પાણી ઉતારવા જૂના તળાવોમાં
રિચાર્જિંગ બોર બનાવવામાં આવ્યા છે, જેના કારણે તળાવોમાં 12 માસ ચાલે તેટલાં પાણી બે-ત્રણ
મહિનામાં જમીનમાં ઊતરી જતાં પરિણામે સીમ તળાવના
પીવાનાં પાણી આધારિત પશુધન, ઢોર-ઢાંખર,
જંગલી જાનવર, પશુ-પક્ષીઓ માટે પીવાનાં પાણીની ભયંકર સમસ્યા સર્જાય છે. જતાવીરા ગામના સીમતળમાં આવેલ
જૂનું પાંચારા તળાવ જે ચોમાસામાં વરસાદી પાણી ભરાય ને બાર માસ ચાલે એટલાં પ્રમાણમાં
પાણી ચાલે છે અને તેથી વિશેષ તળાવનું પાણી તળિયે આવી જાય ત્યારે તળાવની વચ્ચે બનાવવામાં
આવેલી સેલોર વાવનાં ઉપલબ્ધ પાણીથી નજીકમાં બનાવાયેલાં પાણીના અવાડા ભરવામાં આવે છે, જેથી આ તળાવ
બારે માસ અવિરત ઉનાળાના કપરા દિવસોમાં પણ અબોલ જીવ, પશુ-પ્રાણીઓ
માટે તળાવનું તથા સેલોરનું પાણી આશીર્વાદરૂપ બને છે, પણ જ્યારથી
તળાવની વચ્ચે બનાવવામાં આવેલ રિચાર્જિંગ બોરના કારણે પાંચારા તળાવનું પાણી ઝડપથી ભૂતળમાં
ઊતરી જવાનાં કારણે પશુઓ માટે પાણીની કટોકટી સર્જાય છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ આ વિસ્તારની
સીમમાં 4-5 કિ.મી.ના અંતરમાં ઢોરઢાંખર
માટે પીવાનાં પાણીનું કોઇ એક પણ તળાવ-ચેકડેમ
નથી જેથી વધુ મુશ્કેલી સર્જાય છે. આ સમસ્યા નિવારવા જિલ્લા તથા તાલુકાની સંકલન ફરિયાદની
બેઠકમાં ધારાસભ્ય દ્વારા વારંવાર કરાયેલ રજૂઆતોમાં જમીનમાં પાણી ઉતારવા માટે બનાવવામાં
આવતા રિચાર્જિંગ બોર કોઇ નદીના વહેણ ઉપર બનાવવા જોઇએ. તળાવમાં બનાવવામાં આવતા રિચાર્જિંગ
બોર ઉપર તંત્ર દ્વારા રોક લગાવવા તેમજ એવા બોર બનાવવા માટે કોન્ટ્રાકટરોને મંજૂરી આપવી
નહીં તેવું જણાવ્યું હતું.