ગાંધીધામ, તા. 29 : શિણાય નજીક રાજનગર વિસ્તારમાં
આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ
કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરના ડી-સી-પાંચમાં
રહેતા ફરિયાદી હરેશ ગોપાલ ભગત શિણાય નજીક નાયરા પેટ્રોલ પંપની બાજુમાં રાજનગરમાં ભાડાંની
દુકાન રાખી તેમાં હાર્ડવેર હાઉસ નામની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના
અરસામાં ફરિયાદી દુકાન બંધ કરી કામથી અંતરજાળ આવ્યા હતા. ત્યાંથી કામ પતાવી ઘરે જવા નીકળ્યા હતા. તેવામાં
રસ્તામાં પહોંચતાં અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં તમારી દુકાનમાં આગ લાગી છે, ફટાફટ આવો તેવું કહેતાં આ યુવાન પોતાની દુકાને
ગયો હતો. બે શટરવાળી દુકાનનું એક શટર ખોલી બચાવી શકાય તેટલો સામાન બચાવવાની કોશિશ કરાઈ
હતી. દરમ્યાન દુકાનમાં કામ કરતા રમજાન મીરએ કહ્યું હતું કે, બોલેરો
ગાડીવાળાએ દુકાનમાં આગ લગાડી છે અને પાછળ ઊભેલી સ્વિફ્ટ ગાડી પણ તેની સાથે છે જેથી
ફરિયાદી બોલેરો ગાડી પાસે જતાં અને ગાડી રોકવાની કોશિશ કરતાં તેના ચાલકે ગાડી હંકારી
ફરિયાદી ઉપર મારી નાખવાના ઈરાદે ચડાવવાની કોશિશ કરી હતી. આગના આ બનાવમાં સનમાઈકા,
ફેવિકોલ, બ્રાસની તમામ વસ્તુ, શેડ, ફર્નિચર, સીએનસી, મશીન ચલાવવાનું સ્ટેબેલાઈઝર, કોમ્પયુટર નંગ -બે વિગેરે
મળીને રૂા. 80 લાખની નુકસાની
થઈ હતી. બોલેરોમાં સવાર ચાલક 30થી 35 વર્ષનો શખ્સ જેણે કાળા રંગની
ટોપી, ગ્રે જેવા રંગનું જેકેટ, સફેદ શર્ટ તથા બાજુમાં 35થી 40 વર્ષનો શખ્સ
જેણે લાલ રંગની ટોપી, ખાખી જેકેટ,
દાઢીવાળો હતો અને સ્વિફ્ટ ગાડીમાં એક શખ્સ હતો. બોલેરો નંબર જી.જે.-12-સીડી.-0732 તથા કાર નંબર જી.જે.- 12 -સીપી-1783માં સવાર ત્રણેય શખ્સો સામે
પોલીસે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.