ગાંધીધામ, તા. 29 : દેશના પ્રથમ હરોળના
મહાબંદર અને આગામી સમયમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનાં
લક્ષ્ય સાથે આગળ વધી રહેલા તેમજ નફો કરતા દીનદયાળ પોર્ટની કાર્ગો જેટીનું સંચાલન પીપીપી
મોડેલથી કરવા અંગેના પ્રસ્તાવથી ગાંધીધામ સંકુલના
શિપિંગ ઉદ્યોગ ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. મંત્રાલયના આ નિર્ણય સામે ગાંધીધામ
ચેમ્બર ખાતે શિપિંગ ઉદ્યોગકારોની બેઠક મળી
હતી, જેમાં આ નિર્ણયથી કચ્છનાં અર્થતંત્ર ઉપર મરણતોલ
ફટકો પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. - કાર્ગો હેન્ડલિંગનું વોલ્યુમ ઘટવાની ભીતિ : એસોસીએશનના પ્રતિનિધિઓને સંબોધતાં ચેમ્બર
પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ટ્રેડ અને શિપિંગ ઉદ્યોગ વતી સંવેદનશીલ
એવા આ મુદ્દા અંગે ચેમ્બર દ્વારા પુન:વિચારણા કરવા શિપિંગ મંત્રાલયને રજૂઆત કરવામાં
અવી છે. અગાઉ 11થી 16 નંબરની જેટીઓ પીપીપી તળે આપવામાં
આવી હતી, પરંતુ
બિનકાર્યક્ષમતા અને જવાદારી પૂર્ણ કરવામાં નિષ્ફળતા રહી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોર્ટ ઉચ્ચત્તમ
કાર્યક્ષમતા સાથે રેકોર્ડબ્રેક હેન્ડલિંગ કરી રહ્યું છે, ત્યારે
ભવિષ્યમાં તમામ ડ્રાય કાર્ગો જેટીઓ પીપીપી મોડેલમાં આપવાથી કાર્ગો હેન્ડલિંગનું વોલ્યુમ
પણ ઓછું થવાની અને વપરાશકર્તાઓને મરણતોલ ફટકો પડવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. - બેગ કાર્ગો અને જનરલ કાર્ગો ઠપ થવાની ભીતિ : શિપિંગ ઉદ્યોગકારોએ શિપિંગ મંત્રાલયના પ્રસ્તાવનો વિરોધ કરતાં જણાવ્યું
હતું કે, પીપીપી મોડેલથી શિપિંગ ઉદ્યોગમાં એકાધિકારવાદ
આવવાથી નફાલક્ષી દર વસૂલાશે અને શિપિંગ કોસ્ટ વધશે. સ્પર્ધાત્મકતા ઉપર પ્રતિકૂળ અસર
થતાં એક્ઝિમ વોલ્યુમમાં મહત્તમ ઘટાડો થશે.
ખાનગી પાર્ટીઓ કન્ટેનર કાર્ગોને પ્રાધાન્ય આપશે, જેથી
જનરલ અને બેગ કાર્ગો સદંતર ઠપ થઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે, જેથી દેશમાં અનાજની નિકાનસ અને સંગ્રહશક્તિનું સંતુલન ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત
કરાઈ છે. માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, પોર્ટ
વપરાશકર્તાઓએ આ બેઠકમાં એકીઅવાજે પીપીપી મોડેલના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. પ્રસ્તાવિત
પીપીપી મોડેલ અપનાવવા જતાં ડીપીએ તેના નિર્ધારિત 170 એમ.એમ.ટી.ના લક્ષ્યાંકને પણ
મેળવી નહીં શકે. હાલની પોર્ટ સંચાલિત ઓપરેશનલ પ્રણાલી અને અનુભવી સ્ટીવડોર્સ દ્વારા
તથા સીધા પોર્ટ નિયંત્રણ સાથેની વર્તમાન પ્રણાલી ચાલુ રાખવાથી ડીપીએ વેશ્વિક બેંચમાર્ક
તરફ આગળ વધતાં નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકશે,
તેમ જણાવ્યું હતું. - ડીપીએ ચેરમેનને રજૂઆત કરાશે : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બરની આગેવાની હેઠળ તમામ પોર્ટ વપરાશકર્તાઓના
પ્રતિનિધિઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્વરૂપે પીપીપી મોડેલ ન અપનાવવા માટે ડીપીએ ચેરમેનને
રૂબરૂ મળી રજૂઆત કરવા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. શાપિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ
વ્યવસાયકારો દ્વારા પીપીપી મોડેલના પ્રસ્તાવને સખત શબ્દોમાં વખોડી કઢાયો હતો. આ પ્રસ્તાવને
રોકવામાં ન આવે તો તમામ પોર્ટ વપરાશકારો દ્વારા શાંતિપૂર્ણ આંદોલનના રસ્તે ઊતરી વિરોધ
કરવા નિર્ણય લેવાયો હતો. - હેન્ડલિંગના
ઊંચા દરથી આર્થિક ફટકો : દીનદયાળ પોર્ટ દેશની સરહદ ઉપર આવેલું અને
રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત થતા
પોર્ટ વપરાશકારોનું શોષણ થશે અને ભવિષ્યમાં વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝ અને લિક્વિડ કાર્ગો
હેન્ડલિંગ ક્ષેત્રને પણ મરણતોલ ફટકો પડશે તથા એક્સપોર્ટ કાર્ગો હેન્ડલિંગના ઊંચા ચાર્જિસનાં
કારણે વિદેશી હૂંડિયામણ અને રાષ્ટ્રનાં અર્થતંત્રને ફટકો પડશે, જેથી પીપીપી મોડેલ લાભકર્તા થવાના બદલે નુકસાનકર્તા
બની રહેશે. બેઠકમાં ઉપપ્રમુખ દીપક પારેખ,
માનદ્ સહમંત્રી જતિન અગ્રવાલ, કારોબારી
સભ્યો નરેન્દ્ર રામાણી, મનોજ મનસુખાણી, શશિકાંત ધનવાણી, હરીશ માહેશ્વરી, પ્રશાંત કેલા, કમલેશ રામચંદાણી, શરદ શેટ્ટી, લક્ષમણ
આહીર, સભ્યો એન.ટી. રાયડુ, પિટર ચાકો,
ગોપાલ સુજાન, એબેઝ યેસુદાસ, મિહિર કાનગડ, પ્રવીણ સંઘવી, અનંત
રામન, ધર્મેશ ઠાકર, અશોક સાજનાની વિગેરેએ
ચર્ચામાં ભાગ લીધો હતો. - પીપીપી પ્રોજેક્ટથી મીઠાંની નિકાસને વિપરીત અસર : ગાંધીધામ, તા. 29 : કચ્છમાં મોટી માત્રામાં થતાં નમક ઉત્પાદનની ભારે માત્રામાં કંડલા
બંદરેથી વિશ્વભરમાં નિકાસ થઈ રહી છે, તેના ઉપર વિપરીત અસર થશે. હાલમાં વિશ્વના અન્ય દેશો ભારતમાં નમકની નિકાસ કરવા
તૈયાર ઊભા છે. સ્થાનિક ઉત્પાદકોને પીપીપી મોડેલથી નિકાસ કરવામાં પડતર કિંમત વધશે,
જેનાથી સ્થાનિક ઉત્પાદકોને મરણતોલ ફટકો પડશે અને મીઠાં ઉદ્યોગના લાખો
અગરિયાઓ અને સંબંધિત મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. સાથોસાથ પોર્ટ આધારિત સેકંડો આનુસંગિક
વ્યવસાયો ભાંગી પડશે, જેનાથી ફક્ત સંકુલ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ
જિલ્લાના અને રાજ્યનાં અર્થતંત્રને મોટો ફટકો 5ડશે.- પ્રોફિટ કરતાં પોર્ટનું ખાનગીકરણ
કેમ ? : ગાંધીધામ, તા. 29 : કેન્દ્ર સરકાર ખોટ ખાતાં સરકારી એકમોનું ખાનગીકરણ કરવાની નીતિ
અપનાવતી હોય છે, જ્યારે ડીપીએ દેશનું પ્રોફિટ
કરતું પોર્ટ છે અને અગાઉના અનુભવને જોતાં ખાનગીકરણ કરવાથી પોર્ટ ખોટ કરતું પોર્ટ બની
જશે. લોજિસ્ટિક અને ઓપરેટિંગ કોસ્ટ વધી જતાં વપરાશકર્તાઓ સ્પર્ધાત્મક્તામાંથી ફેંકાઈ
જશે, તેથી પીપીપી મોડેલ કોઈ પણ રીતે અમલમાં મૂકવું તે વપરાશકર્તાઓ
માટે જ નહીં પરંતુ પોર્ટ માટે પણ નુકસાનકારક પ્રસ્તાવ હોવાનું જણાવાયું હતું. કંડલા
પોર્ટ દેશનું સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોઈ દેશની વ્યૂહાત્મક સંપત્તિ ગણાય
છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારત કે જે દેશનું મુખ્ય અનાજ ઉત્પાદક
ક્ષેત્ર (ફૂડ બાઉલ) ગણાય છે, હાલમાં પોર્ટમાં કૃષિ પેદાશોની મોટાપાયે
નિકાસ થાય છે. વળી, વર્તમાન ઓપરેટિંગ વ્યવસ્થા સાથેનું વિશ્વનું
સૌથી વાજબી અને ઝડપી કાર્યક્ષમતા ધરાવતું પોર્ટ ગણાય છે, જેથી
દેશની મહત્ત્વપૂર્ણ ટ્રેડ સુરક્ષાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે, ત્યારે પીપીપી મોડેલની વિપરીત કાર્યપ્રણાલીથી પોર્ટનો મુત્યુઘંટ વાગી જશે તેવી
દહેશત પત્રમાં વ્યક્ત કરાઈ હતી.