મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 19 : જેમ શરીરની
સમતુલા જાળવવા ઋતુ અનુસાર ખોરાક લેવો જરૂરી છે તેમ જમીનની સમતુલા, ફળદ્રુપતા વધારવા દેશી છાણિયા ખાતરનો છંટકાવ
પણ જરૂરી હોય છે. હાલમાં ખાતર ભરેલા ટ્રેકટરોના આવનજાવનથી ખેતરોમાં ધમધમાટ જોવા મળી
રહ્યો છે. નખત્રાણા તાલુકાના પંથકમાં છાણિયું ખાતર ખેતરો સુધી પહોંચાડતાં દૃશ્યો વધ્યાં
છે. ખાતરના ભાવ પણ ઊંચકાયા છે. રવી પાકની વાવણી પહેલાં જમીનની ફળદ્રુપતા વધારવા યુરિયાના
બદલે દેશી ખાતરની માંગ વૃદ્ધિ અસરકારક પરિણામ આપનારી છે કારણ કે તેમાં નાઈટ્રોજન,
ફોસ્ફરસ, પોટેશિયમ તથા સૂક્ષ્મ પોષક તત્ત્વો સંતુલિત
માત્રામાં હોય છે. બાંડિયારાના યુવા ખેડૂત મામદભાઈ સંઘાર, મોટી
વિરાણીના પુરષોત્તમ મુખીના જણાવ્યા અનુસાર જમીનની તંદુરસ્તી માટે આશીર્વાદ સમાન છાણિયું
ખાતર એકવાર નાખ્યા પછી ત્રણ વર્ષ સુધી પોતાના પોષક તત્ત્વો જાળવી રાખવા સક્ષમ છે જ્યારે
રાસાયણિક ખાતર જમીનની તાસીર બગાડે છે. ઘણા લોકો ઓફ સિઝનમાં ખાતરનું સંગ્રહ કરી શિયાળામાં
તેનું વેચાણ કરતા હોય છે. હાલમાં ઘેટાં-બકરાંનાં ખાતરની મોટી ટ્રોલી 2800થી 3000 રૂપિયા, નાની ટ્રોલી 2300થી 2500, ગાય-ભેંસના ખાતરના 2000થી 2200 અને ઉકરડાના ખાતરના 1800 રૂપિયા વેચાણ થાય છે.