ભુજ, તા. 19 : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની
આગેવાની હેઠળ કચ્છના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે ડીઆઇએલઆરની કચેરીએ ધરણા યોજાયા
હતા. જિલ્લા જમીન મહેસૂલ કચેરીએ કચ્છના ખેડૂતો
જમીન માપણી કે રેકર્ડના મુદ્દે ખૂબ જ મોટાપાયે
ધક્કા ખાઇ રહ્યા છે. વખતો વખત આ મુદ્દે રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો નિવેડો આવતો
નથી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીએ ડીઆઇએલઆર કચેરી ખેડૂતો સાથે ભેદભાવ રાખતી હોવાનો
આક્ષેપ કર્યો હતો. વિનાશ આદરે તેવો વિકાસ ચલાવી લેવામાં નહીં આવે. તેવું તેમણે જણાવ્યું
હતું. ધરણા કાર્યક્રમ જિલ્લા જમીન મહેસૂલ અધિકારી
અને સ્ટાફે દરેક મુદ્દા સાંભળ્યા હતા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને સંબોધીને પ્રશ્નોનો નિવેડો લાવવા માટેની લેખિત બાંહેધરી આપી
હતી. લેખિત બાંહેધરી મળતાં આ ધરણા પૂર્ણ કરાઈ હતી. આ બાંહેધરી આપ્યા બાદ પણ કામ કરવામાં
નહીં આવે, તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી અપાઇ હતી. રાષ્ટ્રીય
દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી, હુસેન રાયમા, પી. સી. ગઢવી, ઇકબાલ મંધરા, રાણુભા
જાડેજા, રમેશ ગરવા, અંજલિ ગોર, નરેશ કે. મહેશ્વરી, યાકુબ મુતવા, મોહંમદ લાખા, ઇબ્રાહીમ
હાલેપોત્રા, યોગેશ પોકાર, મયૂર મહેશ્વરી,
એચ. એસ. આહીર સહિત જોડાયા હતા.