• ગુરુવાર, 12 માર્ચ, 2026

કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી ક્રિકેટ રમતોત્સવમાં પેન્થર્સ સામે રેવન્યૂ રોયલ્સનો રોમાંચક વિજય

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી ક્રિકેટ રમતોત્સવની રવિવારે ભુજ પેન્થર્સ અને રેવન્યૂ રોયલ્સ વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં રોમાંચક મુકાબલા બાદ રેવન્યૂ રોયલ્સનો વિજય થયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા નિવાસી અધિક કલેક્ટર દિપેશ ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ ચીટનીશ ટૂ ધી કલેક્ટર તેજસ પટેલ અને એચ. આર. પઢિયાર, જન સંપર્ક અધિકારીના સંકલનમાં ભાવિનભાઇ ઠાકર, ડી. કે. ચૌધરી, જે. સી. પ્રજાપતિ, રાજનભાઈ વ્યાસ, હરેશભાઇ જોષી, ચિરાગ ચાવડા વિગેર મહેસૂલી કર્મચારીઓની સંયુકત ટીમ દ્વારા પાંચ દિવસીય કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી ક્રિકેટ રમતોત્સવ-2026નું આયોજન કરાયું હતું, જેમાં કલેક્ટર કચેરી તથા કચ્છ જિલ્લાની તમામ પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના અધિકારી/કર્મચારીઓની કુલ-12 ટીમે ભાગ લીધો હતો. આ ક્રિકેટ સ્પર્ધામાં ભુજ પેન્થર અને રેવન્યૂ રોયલ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો, જેમાં ભુજ પેન્થર ટીમ તરફથી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન પ્રાંત અધિકારી ભુજ ડો. અનિલ જાદવે 23 બોલમાં છ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 53 રન બનાવ્યા હતા, જ્યારે રેવન્યૂ રોયલ્સ તરફથી શ્રેષ્ઠ પ્રદશર્ન ઇમરાન કુંભાર તરફથી 17 બોલમાં 23 રન અને ત્રણ ઓવરમાં માત્ર 12 આપી બે વિકેટ લીધી હતી. આ મુકાબલામાં ભુજ પેન્થર્સે કુલ 12 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 120 રન કર્યા હતા, જેની સામે રેવન્યૂ રોયલ્સની ટીમ દ્વારા 11.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 122 રન કરી કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી ક્રિકેટ રમતોત્સવ-2026માં ચેમ્પિયન તથા ભુજ પેન્થર્સ ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમના કેપ્ટન પુલિન ઠાકરને કલેક્ટર દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી, ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં 17 છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 179 તથા છ વિકેટ ઝડપી યોગીરાજાસિંહ મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા તથા 14 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 150 રન બનાવી બેસ્ટ બેસ્ટમેન તરીકે ઇમરાન કુંભાર તેમજ નવ ઓવરમાં નવ વિકેટ ઝડપી બેસ્ટ બોલર ચીટનીશ ટૂ ધી કલેક્ટર તેજસ પટેલ રહ્યા હતા. આ સ્પર્ધાનાં આયોજનમાં કચ્છ જિલ્લા મહેસૂલી પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  

Panchang

dd