ગાંધીધામ, તા. 12 : અંજારના વિજયનગર પાસે આવેલા
એક પેટ્રોલ પંપ પર બુકાનીધારી સાત શખ્સ પહોંચ્યા હતા. આ શખ્સો પંપના બે કર્મીને માર
મારી રૂા. 8,455ની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.
અંજારના વિજયનગર પાસે આવેલા કિશન ભારત પેટ્રોલ પંપ ઉપર ગત તા. 10/3ના આ બનાવ બન્યો હતો. બનાવના
દિવસે સવારે એક છકડાચાલક ડીઝલ ભરાવવા આવ્યો હતો,
તેનો પંપના સ્ટાફ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં સાતેક શખ્સ ત્યાં
આવીને માથાકૂટ કરીને જતા રહ્યા હતા. બપોરના ફરીથી ત્રણ શખ્સ આવી ઝઘડો કરી ત્યાંથી ચાલ્યા
ગયા હતા. બાદમાં રાત્રિના ભાગે ફરિયાદી પ્રવીણ મુકેશ ઠાકોર તથા અમરત ઠાકોર પંપ ઉપર
હાજર હતા, ત્યારે સોમેશ્વર ચોકડી બાજુથી જગદીશ ઉર્ફે જગુ દેવીપૂજક
તથા અન્ય છ શખ્સ મોઢે રૂમાલ વગેરે બાંધીને ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ ધોકા તથા ચેઈન
વડે ફરિયાદી અને અન્ય કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. દરમ્યાન કોઈ શખ્સે પંપમાં આવકના
રોકડ રૂા. 8,455ની લૂંટ ચલાવી
હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયા હતા,
જ્યાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે
બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.